શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 30 જાન્યુઆરી 2017 (16:09 IST)

હાર્દિક પટેલનું હોમવર્ક અને અધિકારીઓમાં બ્લેકમનીના ભયને કારણે આગામી ચૂંટણીના આફ્ટરશોક ગુજરાત અનુભવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે તેવા તર્ક લાંબા સમયથી કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવી રહ્યા છે. હવે ગુજરાતની ચૂંટણી ક્યારે યોજવી તે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોના આધારે નક્કી થવાની સંભાવના રાજકીય પંડિતો જોઈ રહ્યા છે. કેન્દ્રીય ચૂંટણીપંચે પંજાબ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે.

આ પાંચેય રાજ્યો સાથે સીધી રીતે ગુજરાતને કોઇ નિસબત નથી પણ પરિણામોની લાંબા સમયની રાજકીય અસર ગુજરાત પર પડવાની ચર્ચા અત્યારથી સચિવાલયમાં શરૂ થઇ ગઇ છે. ભાજપ માટે આ પાંચેય રાજ્યોનાં ચૂંટણી પરિણામો ખૂબ મહત્ત્વનાં માનવામાં આવી રહ્યાં છે. ભાજપની તરફેણમાં જો પરિણામો આવ્યાં તો ગુજરાતમાં પણ જૂન-જુલાઇમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે. સામાન્ય રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર મધ્યમાં આવે છે પણ દેશમાં ભાજપતરફી વાતાવરણ રહ્યું તો ગુજરાતમાં પણ છ માસ વહેલી ચૂંટણી આવી શકે છે ને જો ભાજપ વિરુદ્ધ પરિણામો આવ્યાં તો કેન્દ્રમાં મોટા ફેરફારો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 

પાટીદાર અનામત આંદોલનથી હીરો બનેલો હાર્દિક પટેલ ગુજરાતમાં પાછો આવી ચૂક્યો છે. હાઇકોર્ટના આદેશને પગલે છ માસ સુધી તે ગુજરાતની બહાર રહ્યો હતો. આ છ માસ પછી હાર્દિક પટેલમાં પરિપક્વતા આવી હોવાનું સરકારમાં બેઠેલા પ્રધાનોને પણ લાગી રહ્યું છે. ૧૭મી જાન્યુઆરીએ હાર્દિકે રાજસ્થાનની રતનપુર બોર્ડર પરથી ગુજરાતમાં પ્રવેશ કર્યો અને હિંમતનગરમાં એક સભાને પણ સંબોધન કર્યું. આ સભામાં હાર્દિક પટેલે કરેલા સંબોધનમાં અનેક પ્રધાનો અને અધિકારીઓને તેનામાં પાકટતા જોવા મળી. હાર્દિક પટેલે હિંમતનગરના પ્રવચનમાં મોદી સ્ટાઇલ પણ અપનાવી હતી. ‘પાસ’ દ્વારા સંગઠન મજબૂત કરવાના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં નાનીનાની બેઠકો શરૂ કરવામાં આવી છે. ‘પાસ’ના જ એક નેતાના જણાવ્યા પ્રમાણે હાર્દિક પટેલ અત્યારે ગુજરાતમાં રહી પોતાનું હોમવર્ક કરી રહ્યો છે. યોગ્ય સમયે તે ફરી રાજ્ય સરકારને પડકાર ફેંકશે.
રાજ્યના લાંચ-રુશવત બ્યૂરો દ્વારા રાજ્યભરમાં ભ્રષ્ટાચાર આચરનાર અધિકારી-કર્મચારીઓની એક યાદી તૈયાર કરવામાં આવી હોવાની ચર્ચા સચિવાલયમાં શરૂ થઇ છે. રાજ્ય સરકારની સહમતીથી જ આ યાદી તૈયાર થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર ચૂંટણીનું વર્ષ હોવાથી પોતાની ભ્રષ્ટાચાર વિરોધની ચળવળ વધારે ગતિમાન કરવાના મૂડમાં છે. સાથે મતદારોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ભ્રષ્ટાચાર સામે બાંયો ચઢાવી હોવાની છાપ ઊભી કરવાના પ્રયાસો લાંબા સમયથી કરી રહ્યા છે. જે અંતર્ગત થોડા દિવસ પહેલાં એસીબી દ્વારા રાજ્યમાં પાંચ જગ્યાએ એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ગાંધીનગર જિલ્લા પંચાયતનાં મહિલા સભ્યના ઘરે પણ સર્ચ કરવામાં આવ્યું હતું. આ જ રીતે જીએસપીસીમાં વર્ગ-૨ના અધિકારી ભરતગીરી ગોસ્વામીના ઘરે સર્ચમાં રૂપિયા ૧૧ કરોડ ને ૫૬ લાખની અપ્રમાણસર મિલકતો મળી તેમાં આઠ લાખ રૂપિયાની રૂ.બે હજારના દરની નોટો પણ મળી આવી હતી. આ ઉપરાંત હિંમતનગર, રાજકોટમાં પણ સર્ચમાં લાખો રૂપિયાની સરકારી અધિકારીઓની અપ્રમાણસર મિલકતો મળી છે. લાંચ-રુશવત બ્યૂરોના આ સર્ચ ઓપરેશનને કારણે સચિવાલયમાં કામ કરતાં અનેક અધિકારી-કર્મચારીઓમાં ભયની લાગણી ફેલાઈ છે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે એસીબીના આ પ્રકારના ઓપરેશનને લીધે હવે અધિકારીઓ પોતાના પરિવારના સભ્યોના નામે લીધેલી મિલકતો પણ દૂરનાં સગાંઓના નામે કરવા દોડાદોડી કરી રહ્યા છે.