શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 30 સપ્ટેમ્બર 2019 (15:03 IST)

રાજ્યના ૨૦૪ જળાશયોમાં ૯૨.૩૫ ટકા પાણીનો જથ્થો, ગત વર્ષે આ સમયે હતો માત્ર આટલો જથ્થો

રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન કુલ ૨૦૪ જળાશય-ડેમમાંથી ૧૧૪ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે એટલે કે છલકાયા છે. જ્યારે ૫૭ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય તેની કુલ સંગ્રહશક્તિના ૯૮.૪૩ ટકા ભરાયો છે તેમ, રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગરના તા.૩૦ સપ્ટેમ્બર-૨૦૧૯ના સવારે ૮.૦૦ કલાક સુધીના અહેવાલમાં જણાવાયું છે.
 
આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં હાલની સ્થિતિએ ૬૫.૦૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૭.૮૬ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૯૮.૨૦ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૬.૮૭ ટકા તેમજ સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૯૦.૦૮ ટકા આમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં ૯૨.૩૫ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આજ દિવસે એટલે કે ૩૦ સપ્ટેમ્બર-૨૦૧૮ની સ્થિતિ માત્ર ૫૪.૮૯ ટકા પાણીનો જથ્થો સંગહાયેલો હતો.
 
રાજ્યમાં હાલમાં સરદાર સરોવર ડેમમાં ૨,૨૭,૬૧૪ કયુસેક, ઉકાઇમાં ૧,૦૯,૪૮૫ કયુસેક, ભાદર-રમાં ૧,૦૮,૩૧૦ કયુસેક તેમજ અન્ય ૧૯ જળાશયોમાં ૬૧,૩૭૯ થી ૧૦,૦૦૦ ક્યુસેક પાણીની આવક જ્યારે ૭૦ જળાશયોમાં ૯,૭૮૨ થી ૧,૦૦૦ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.