શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 સપ્ટેમ્બર 2021 (12:47 IST)

શપથ પહેલાં જ પૂરમાંથી લોકોને બચાવવા કામે લાગ્યા નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ

જામનગર જિલ્લો કે જે હાલાર પંથકથી ઓળખાય છે, ત્યાં મેઘરાજાના રૌદ્ર રૂપના કારણે ભયાનક સ્થિતિનું નિર્માણ થયું છે. જામનગર જિલ્લામાંના ગામડાઓમાં તો ઘરના ઘર ડૂબી ગયા છે. લોકો જીવ બચાવવા ઝઝૂમી રહ્યા છે, તેવી હાલત થઇ છે. તંત્ર પણ લાચાર છે, માણસો પણ કુદરતના કોપ સામે લાચાર બની ગયા છે. હાલાર અત્યારે લાચાર છે.જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાથી કેટલાય વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે. તેમજ જામનગર તાલુકાના તમામ ડેમ ઓવરફલો થઇ ચુક્યાં છે.

જામનગર જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે, ત્યારે કાલાવડમાં 24 કલાકમાં ધોધમાર 10 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તેમજ જામનગરમાં 3.25 ઈંચ, જામજોધપુરમાં 2.25 અને જોડિયામાં 2 ઈંચ વરસાદથી ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું હતું. જામનગરના મોટીબાણુગારમાં આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ છે. ગામમાં અત્યારસુધીમાં 22 ઇંચ જેટલો વરસાદ નોંધાતા આખુ ગામ બેટમાં ફેરવાયું છે.

જામનગર તાલુકાના ધુવાવ ગામમાં પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ થઈ છે. તેમજ આખું ગામ બેટમાં ફેરવાયું છે. ત્યારે પંચકોશી પોલીસ સ્ટેશનનના સ્ટાફ સહિત લોકોને બહાર કાઢ્યા હતા. આ ઉપરાંત જામનગર તાલુકાના અલીયાબાડા, ખીમરાણા ગામમાં હેલિકોપ્ટરની મદદથી રેસ્કયૂંની કામગીરી ચાલી રહી છે.ભારે વરસાદના પગલે જામનગર-રાજકોટ હાઈવે સંપૂર્ણપણે સંપર્ક વિહોણો થયો છે. જામનગર શહેરની બહાર નીકળવાના તમામ ખીજડીયા બાયપાસ, ઘુવાવ પાસે આવેલા પૂલ અને હાઇવે પર પાણી ફરી વળ્યા છે.જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઇ ચૂક્યું છે. આજુબાજુના વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે. દુઆ ગામમાં ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.