1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 15 મે 2021 (12:59 IST)

‘તૌકતે’ વાવાઝોડાએ પોતાની દિશા બદલી, હવે ગુજરાતમાં નહિ ટકરાય

ખાનગી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે તૌકતે વાવાઝોડાએ પોતાની દિશા બદલી છે. હવે વાવાઝોડું કેરળ દરિયાકાંઠે વળવાનાં એંધાણ જોવા મળી રહ્યાં છે, સાથે જ હવામાન વિભાગની વેબસાઈટ સ્કાયમેટનો દાવો છે કે હવે ગુજરાતમાં વાવઝોડાનો કોઈ ખતરો નથી. બીજી તરફ ગઈકાલે ભારત હવામાન વિભાગે આગાહી કરી છે કે તૌકતે વાવાઝોડું આગામી 17મી મેના રોજ ગુજરાતના દરિયા કિનારે પહોંચે એવી સંભાવના છે.

સૌરાષ્ટ્ર ઝોનના 14 જેટલા જિલ્લાઓને આ વાવાઝોડાની અસર થાય એવી શક્યતાને ધ્યાને રાખીને સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોઈ પ્રકારની જાન કે માલહાનિ ન થાય કે કોઈ નુકસાન ન થાય એ માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યના વહીવટીતંત્રને સતર્ક રહેવા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. રાજ્યનું વહીવટી તંત્ર આ વાવાઝોડા સામે સંપૂર્ણ રીતે સજ્જ છે તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે. મંત્રી જાડેજાએ ઉમેર્યુ હતું કે “તૌકતે” અનુસંધાને ભારતના હવામાન ખાતાની આગાહી મુજબ અરબી સમુદ્રનું ડિપ્રેશન છે, એ તા.15મી મેના રોજ સાઇકલોનમાં પરિણમે એવી પૂરી સંભાવના છે.

સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓનાં કેટલાંક ગામોમાં આ વાવાઝોડાની અસર થાય એવી સંભાવના છે. જો આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે અથડાશે તો હાલના અનુમાન મુજબ 140થી 150 કિમી/કલાકની ગતિથી વાવાઝોડાનો પવન રહેશે એવું આઈ.એમ.ડી. વિભાગનું અનુમાન છે. એટલું જ નહીં, સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના વહીવટી તંત્ર દ્વારા દરિયો ખેડવા ગયેલા માછીમારોને આવતીકાલ સુધીમાં પરત આવવાનો સંદેશો પણ પહોંચાડી દઇ તેઓ પરત આવે ત્યાં સુધીની ફોલોઅપ કામગીરી પણ ચાલી રહી છે.