1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 16 મે 2024 (17:40 IST)

અમદાવાદમાં દીકરો ફરવા ગયો અને માતા પિતા સુઈ ગયા, ચોરોએ ઘરમાંથી 13 લાખનો હાથ ફેરો કર્યો

robbery
શહેરમાં ચોરીના બનાવો વધી રહ્યાં છે. પોલીસનું સઘન પેટ્રોલિંગ હોવા છતાં ચોરી કરનારા બેફામ બનીને ચોરીના ગુનાને અંજામ આપી રહ્યાં છે. ત્યારે શહેરના બોપલ વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ઘરમાં પુત્ર તેની પત્ની અને સંતાન સાથે બાલી ફરવા ગયો હતો અને વૃદ્ધ દંપતિ ઘરમાં સુતા હતાં. તેમણે સવારે ઉઠીને જોયું તો ઘરમાં કેટલોક સામાન વેરવિખર હાલતમાં પડ્યો હતો અને રોકડા રૂપિયા તથા સોનાના દાગીના સાથે ચોરોએ 13 લાખની ચોરી કરી હતી. 
 
દીકરાની વહુના દાગીના મુકેલા હતા તે ચોરાઈ ગયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે કિશોરભાઈ રાજપુરોહિતે બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ નિવૃત્ત જીવન ગુજારે છે અને તેમનો પુત્ર ગત 11મી મેના રોજ પત્ની અને સંતાન સાથે ઈન્ડોનેશિયાના બાલી ખાતે ફરવા ગયો હતો. ઘરમાં બંને વૃદ્ધ દંપત્તી એકલા હતાં. ત્યારે ગત 14મી મેના રોજ રાત્રે સાડા અગિયાર વાગે દંપત્તિ પરવારીને સુઈ ગયા હતાં. તેમને સવારે કામકાજ અર્થે રાજસ્થાનના સુમેરપુર ખાતે આવેલા જુવાઈ ડેમ ખાતે જવાનું હોવાથી તેઓ સવારે વહેલા ત્રણેક વાગ્યે ઉઠ્યા હતાં અને ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં પડેલો જોયો હતો. જેથી તેમણે પત્નીને પુછ્યું હતું કે, આ થેલો અને પર્સ સોફા પર કેમ પડેલા છે. ત્યાર બાદ તેમની પત્નીએ કહ્યું હતું કે, થેલામાં તેમના દાગીના મુક્યા હતાં. ત્યાર બાદ તેમણે દીકરાના બેડરૂમમાં જઈને જોયું તો કબાટના બધા ડ્રોઅર ખુલ્લા હતાં.જેમાં તેમના દીકરાની વહુના દાગીના મુકેલા હતા તે ચોરાઈ ગયા હતાં.  
 
ચોરી થઈ હોવાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ
 
2.80 લાખનો ડાયમંડ જડતરમાં બનાવેલ આઠેક તોલાનો સોનાનો હાર, 87 હજારની કિંમતનું મોટુ મંગળસુત્ર તથા કાનની ડાયમંડ વાળી બુટ્ટી, એક લાખની સોનાની લેડિઝ વિંટી નંગ-5, 70 હજારનું નાનુ મંગળસુત્ર તથા ડાયમંડ વાળી કાનની બુટ્ટી, 52 હજારનો પેંડલબુટ્ટીનો સેટ, 1.75 લાખની સોનાની બંગડી, તે ઉપરાંત સાસુના દાગીનાની વાત કરીએ તો 1.40 લાખના સોનાના કડા, 1 લાખનું ડાયમંડનું નાનું તથા મોટુ મંગળસુત્ર, 35 હજારની કાનમા પહેરવાની સોનાની બુટ્ટી, પાંચ નંગ સોનાની નાની મોટી ચેઇન, ચાંદીના પાયલ ચાર સેટ, બે ચાંદીના સિક્કા તથા ચાંદીના પાયલ, ચાંદીના વાસણ, એક અરમાની કંપનીની કાંડા ઘડીયાળ અને મારા દિકરાની વહુના ના પર્સમાં આશરે 25 હજાર રોકડા રૂપિયા મળી 13.16 લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.