અમદાવાદમાં નશામાં ધૂત થઈને ફરતા બાળકનો વીડિયો વાયરલ, પોલીસ શોધખોળમાં લાગી
અમદાવાદમાં એક 10 વર્ષના બાળકનો નશામાં ધૂત હાલતમાં વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. વીડિયો સામે આવતાં જ પોલીસ અને સમાજ સુરક્ષા વિભાગ આ બાળકની શોધખોળમાં લાગી ગયાં હતાં. આ બાળકના મોઢામાં સિગારેટ પણ જોવા મળી રહી છે. જેથી હાલમાં સવાલ એ થઈ રહ્યો છે કે, આ બાળક નશાના રવાડે કેવી રીતે ચઢ્યો તેમજ તેને આ રસ્તે કોઈ લઈ જઈ રહ્યું છે.અમદાવાદ શહેરમાં અનેક લોકો ફૂટપાથ પર સૂતા નજરે પડે છે. અનેક બાળકો ભીખ માંગતા પણ દેખાય છે. પરંતુ કેટલાક બાળકો નશો કરીને ફરે છે તે વાત સામે આવતાં પોલીસની ઊંઘ ઉડી ગઈ છે.
પોલીસ કમિશનર કચેરીના નજીકથી વાયરલ થયેલા વીડિયોના આધારે આ બાબત સાબિત થઇ રહી છે.આ વાયરલ વીડિયોમાં બાળક રમવાની ઉંમરે નશો કરીને ફરતો દેખાઈ રહ્યો છે. અજાણ્યો બાળક મોઢામાં સિગરેટ રાખીને ખુલ્લ્લેઆમ લથડિયા ખાતો દેખાય છે. બાળકના વાયરલ થયેલા વીડિયોની જાણ થતાં જ માધુપુરા માધુપુરા પોલીસ દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમાજ સુરક્ષા વિભાગને પણ જાણ થતા સમાજ કલ્યાણ વિભાગ દ્વારા પણ આ બાળકની શોધખોળ શરુ કરી દીધી છે. આ અંગે માધુપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ આઈ.એન.ઘાસુરાએ મીડિયાને જણાવ્યું હતું કે અમને વીડિયો અંગે જાણ થતા અમે અલગ અલગ જગ્યાએ બાળકોની શોધખોળ શરુ કરી છે.