અમદાવાદના યુવકને વિદેશ જવાની લાલચ ભારે પડી, ગઠિયાએ કેનેડામાં નોકરીની લાલચ આપી 4.95 લાખ ઉઠાવ્યા
વિદેશ જવાની લાલચ અમદાવાદના યુવકને ભારે પડી છે. કેનેડામાં નવા ખુલેલા મોલમાં નોકરી આપવાના બહાને યુવક પાસે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી યુવકના એકાઉન્ટમાંથી 4.95 લાખ ઉઠાવી ગઠિયાએ છેતરપિંડી કરી હતી. આ મામલે યુવકે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
બોપલમાં રહેતા વૈભવ રૂડાણી ફરિયાદ નોંધાવી છે કે, ઘરે બેઠા ટ્રેડીંગનું કામ કરી ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલાં વૈભવે કેનેડા, યુકે, યુએસ અને ઓસ્ટ્રેલિયા માટે વર્ક પરમીટની એક જાહેરાત જોઈ હતી. જાહેરાતમાં જે નંબર આપ્યો હતો તેને ફોન કરીને કેનેડા જવુ હોવાની જાણ કરી હતી. જેથી સામે રહેલા યુવકે પોતાનું નામ યોગેશ જણાવીને વૈભવના પાસપોર્ટનો ફોટો મંગાવ્યો હતો.બાદમાં બે દિવસ રહીને વૈભવને ફોન આવ્યો હતો કે, તમે અમારી કેનેડાની ચાલીસ માણસોની ટીમમાં સિલેક્ટ થઈ ગયા છો અને તમારા માટે કેનેડામાં નવા ખુલેલા મોલમાં નોકરી માટે પણ સેટિંગ કરી દીધું છે. પરંતુ તમારે એક બેંક એકાઉન્ટ ખોલાવીને બેંક બેલેન્સ બતાવુ પડશે. જેથી વૈભવે નવુ એકાઉન્ટ ખોલાવીને 5 લાખ ભર્યા હતા. બાદમાં યોગેશે ફરી વૈભવને ફોન કરીને જણાવ્યુ હતુ કે, મે તમને એક એપ્લિકેશન મોકલી છે. જેમાં તમારો જોબ ઓફર લેટર છે જેથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. વૈભવભાઈએ એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યારે તેના એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્જેક્શન થઈને કુલ 4.95 લાખ ઉપડી ગયા હતા. જેથી પોતાની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ થઈ હોવાની જાણ વૈભવભાઈને થતા તેમણે બોપલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.