1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 7 જુલાઈ 2022 (15:16 IST)

ગાંધીનગરમાં મેરેજ બ્યૂરોને યુવક માટે એક વર્ષ સુધી કન્યા ન મળી, 1.11 લાખ ફી પરત ચૂકવવા આદેશ!

marriage
ગાંધીનગરના કલોલમાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવક માટે કન્યાની શોધ ન કરી શકવાથી એક મેરેજ બ્યૂરોએ વ્યાજ સાથે ફી પરત ચૂકવવી પડી છે. આ મામલે ગ્રાહકે ગાંધીનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરી હતી. અંગ્રેજી દૈનિકમાં છપાયેલા અહેવાલ પ્રમાણે કલોલ ખાતે આવેલા મેરેજ બ્યૂરોને ગ્રાહકની ફી પરત ચૂકવવાનો આદેશ કરાયો છે. મેરેજ બ્યૂરો ચલાવતા લોકો એક વર્ષ થવા છતાં ગ્રાહક માટે કન્યા શોધી શક્યા ન હતા. આથી મેરેજ બ્યૂરોને 1.11 લાખની ફી પરત કરવાનો આદેશ કરાયો છે.

આ કેસની વિગત એવી છે કે કલોલના શંકરલાલ ગુર્જરે પોતાના પુત્ર વિકાસ માટે કન્યા શોધવા માટે સર્વ જ્ઞાતિ મેરેજ બ્યૂરોને જુલાઈ 2020 દરમિયાન 1.11 લાખ રૂપિયાની ચૂકવણી કરી હતી.જોકે, ફી ચૂકવવા બાદ મેરેજ બ્યૂરોમાંથી કન્યા માટે કોઈ ફોન આવ્યો ન હતો. આથી શંકરલાલે આ મામલે મેરેજ બ્યૂરોને ફરિયાદ કરી હતી. આ દરમિયાન શંકરલાલને જવાબ મળ્યો હતો કે જેવી કોઈ કન્યાનો બાયોડેટા મળશે તેમનો સંપર્ક કરવામાં આવશે. આ દરમિયાન અમુક મહિનાઓ પસાર થઈ ગયા હતા. એક દિવસ મેરેજ બ્યૂરોમાંથી કોલ આવતા પિતા-પુત્ર મેરેજ મેરેજ બ્યૂરો ખાતે ગયા હતા. અહીં તેમને એક મહિલાની તસવીર બતાવવામાં આવી હતી. ફોટોગ્રાફ્સ જોયા બાદ પિતા-પુત્રએ છોકરી વિશે વધારે વિગત માંગી હતી. આ દરમિયાન મેરેજ બ્યૂરોએ છોકરીના પરિવાર સાથે વાત કરીને વધારે વિગત આપવાની વાત કરી હતી. બે દિવસ પછી ગુર્જરને ફોન આવ્યો હતો કે છોકરી અને તેનો પરિવાર બહારગામ છે. આથી બાયોડેટા માટે વધુ 15 દિવસનો સમય લાગશે. થોડી વધારે રાહ જોયા બાદ મેરેજ બ્યૂરોએ જણાવ્યું હતું કે મહિલાના લગ્ન તો પહેલા જ સંપન્ન થઈ ગયા છે !

એક મહિના પછી પિતા-પુત્રને મેરેજ બ્યૂરોમાંથી ફરી કોલ આવ્યો હતો. આ દરમિયાન વધુ એક યુવતીનો ફોટો બતાવવામાં આવ્યો હતો. જોકે, બાદમાં મરેજ બ્યૂરોમાંથી કોઈ જવાબ આવ્યો ન હતો. પરિવારે આગ્રહ કરતા મેરેજ બ્યૂરોમાંથી એવો જવાબ મળ્યો હતો કે છોકરીને તમારે દીકરો પસંદ નથી.આવી જ રીતે એક વર્ષ પસાર થઈ ગયું હતું. બાદમાં પરિવારે મેરેજ બ્યૂરો પાસેથી ફી પરત માંગી હતી. જોકે, મેરેજ બ્યૂરોએ ફી પરત આપવાનો ઇન્કાર કરી દેતા પરિવારે ગાંધીનગર જિલ્લા ગ્રાહક તકરાર કમિશનને ફરિયાદ કરી હતી. આ મામલે કમિશન તરફથી મેરેજ બ્યૂરોના સંચાલક મંથન ગાંધીને નોટિસ આપવામાં આવી હતી. જોકે, તેમના તરફથી નોટિસનો જવાબ આપવામાં આવ્યો ન હતો. આ મામલે કમિશને ગ્રાહકને તમામે રકમ 9 ટકાના વ્યાજ સાથે પરત આપવાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત પરિવારને માનસિક ત્રાસ સહન કરવાના બદલવામાં પાંચ હજાર રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરાયો હતો.