ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 12 જાન્યુઆરી 2022 (10:21 IST)

અમદાવાદમાં પતિના અવસાન બાદ પત્નીએ બીજા લગ્ન કરી લેતાં સાસરિયા નારાજ થયાં, મહિલાની દીકરીને રૂમમાં પુરી દીધી

અમદાવાદમાં અભયમ હેલ્પ લાઈનની ટીમને મહિલાઓની સુરક્ષા અંગેના કોલ મળતાં હોય છે. મહિલાઓને થતાં ત્રાસને લઈને અભયમની ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરીને મામલો થાળે પાડવામાં આવતો હોય છે. અમદાવાદમાં પતિના અવસાન પછી સાસરિયાં મહિલા અને તેની 9 વર્ષની દીકરીને સારી રીતે રાખતાં ના હોવાથી મહિલાએ બીજા લગ્ન કર્યા હતાં. જેથી નારાજ થયેલા સાસરિયાઓ દીકરીને લઈ ગયા હતાં અને એક રૂમમાં પુરી દીધી હતી. મહિલા દીકરીને લેવા ગઈ ત્યારે સાસરીયા દીકરીને આપવા તૈયાર નહોતા. જેથી મહિલાએ અભયમ હેલ્પલાઈનની ટીમને ફોન કર્યો હતો.અભયમની ટીમે ઘટના સ્થળે પહોંચીને મહિલાને કાયદાકીય માહિતી આપી પોલીસ બોલાવીને મહિલાને તેની દીકરી પરત અપાવી મામલો થાળે પાડ્યો હતો.શહેરના પૂર્વ વિસ્તારમાં એક મહિલાએ અભયમની ટીમને ફોન કરીને જણાવ્યું હતું કે, સાસરીયાઓ મારી દીકરીને જબરદસ્તીથી ઘરમાં પુરી રાખી છે અને મને પરત આપતા નથી. અભયમની ટીમે ઘટના સ્થળે પહોંચીને મહિલાની પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, તેમના પતિનું અવસાન થયા બાદ સાસરિયાઓ મહિલા અને તેની દીકરીનો ખર્ચો ઉઠાવવાનો બંધ કરી દીધો હતો અને તેને સતત ત્રાસ આપતાં હતાં. જેથી સાત મહિના પહેલા મહિલાએ બીજા લગ્ન કર્યા હતાં. નવા પતિએ મહિલા સાથે દીકરીને પણ અપનાવી લીધી હતી.અગાઉના સાસરીયાને મહિલાના બીજા લગ્ન પસંદ ના હોવાથી દીકરી જ્યારે સ્કૂલેથી પરત આવતી હતી ત્યારે દીયરનો દીકરો દાદા દાદીને મળવા જવું છે તેમ કરીને લઈ ગયો હતો. બાદમાં દીકરીને પરત મુકવા આવ્યો ન હતો.જેથી દીકરી રડતી હતી. બીજી તરફ મહિલા તેની દીકરીને લેવા માટે અગાઉની સાસરીમાં ગઈ ત્યારે સાસરિયાઓએ દીકરીને આપવાનો ઈનકાર કરી દીધો હતો. બે દિવસ વીતી ગયાં તેમ છતાં દીકરીને મોકલતાં ન હતાં અને ઘરનાં એક રૂમમાં દીકરીને પુરી દીધી હતી. જેથી મહિલાએ અભયમની ટીમની મદદ માંગી હતી. અભયમની ટીમ મહિલાને લઈને તેની સાસરીમાં ગઈ હતી.જ્યાં મહિલાના સસરા અભયમની ટીમ અને મહિલા સાથે ગેરવર્તન કરવા લાગ્યા હતાં. જેથી અભયમની ટીમે પોલીસને બોલાવી હતી. બાદમાં સાસરિયા, મહિલા અને દીકરીને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. મહિલાએ સાસરિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ સાસરિયાઓએ મહિલાને દીકરી પરત આપી હતી. બીજી તરફ સાસરિયાઓને દીકરી જોઈતી હોય તો કોર્ટમાં જવા અભયમની ટીમે માહિતી આપી હતી.