પાટણમાં એક જ ઘરમાંથી બે સગા ભાઈઓની અર્થી ઉઠી, મોટા ભાઈના મોતનું સાંભળી નાના ભાઈએ પણ દમ તોડ્યો
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. આજે પાટણમાં વધુ એક હાર્ટએટેકની ઘટના બની હતી. જો કે આ દુ:ખદ ઘટનામાં બે સગા ભાઈઓનું મૃત્યુ થયુ હતું. પાટણમાં એક જ ઘરમાંથી એકસાથે બે અર્થીઓ ઉઠતા પરિવારમાં માતમ છવાયો હતો. આ ઘટનામાં પહેલા મોટાભાઈને હાર્ટએટેક આવ્યો હતો અને તેનુ મોત નિપજ્યુ હતું જેની જાણ તેના નાના ભાઈને થતા તેણે પણ દમ તોડ્યો હતો.
શહેરીજીવન જેમ જેમ આધુનિક બની રહ્યુ છે તેમ તેમ તેની સાથે વધુ પ્રાણઘાતક પણ બની રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી યુવાનોમાં હ્રદયરોગના હુમલાઓ વધી રહ્યા છે. પાટણ શહેરમાં જ આવી જ એક આઘાતજનક ઘટના બની છે જેમા બે સગાભાઈઓના બે જ કલાકના અંતરે મોત નિપજ્યા છે. આ ઘટનામાં ગત રોજ અરવિંદભાઈ માર્કેટ યાર્ડમાં આવેલી નાગરિક શાખામાં ચેક ભરીને બેંકની બહાર રસ્તા જતા હતા તે દરમિયાન રસ્તા પર અચાનક હાર્ટએટેક આવ્યો હતો અને ત્યા જ ઢળી પડ્યા હતા. રાહદારીઓએ તેમને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડ્યા હતા જો કે તેની સારવાર થાય તે પહેલા જ તેનું મોત થયુ હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.અરવિંદભાઈની ઘટનાના સમાચાર પિરજનોને આપ્યા હતા. આ સમયે અરવિંદભાઈના નાના ભાઈ દિનેશભાઈ દુકાન પર હતા અને તેને આ સમાચાર મળતા તે તાત્કાલિક ઘરે આવ્યા હતા. ઘરે આવ્યા બાદ તરત જ તેમને ગભરામણ થતા ત્યા જ ઢળી પડ્યા હતા અને તેમને પણ તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અરવિંદભાઈની ઘરે અંતિમ વિધિ ચાલી રહી હતી ત્યારે જ દિનેશભાઈનું પણ મોત થયુ હતું. આ રીતે બે જ કલાકના સમયમાં બંને ભાઈઓના મોત નિપજ્યા હતા.