1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified શનિવાર, 27 મે 2023 (12:55 IST)

રાજકોટ સિવિલમાં સ્ટ્રેચરને સફેદને બદલે કેસરી રંગ લગાવ્યો, વિવાદ વકરતાં જ સફેદ કલર લગાવવાનું શરૂ કર્યું

Saffron Color in rajkot civil
Saffron Color
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલ દર્દીને લઇ જવા માટે વપરાતા સ્ટ્રેચરને લઇ વિવાદમાં આવી છે. બે દિવસની અંદર ઇમરજન્સી વિભાગમાં એક બાદ એક સ્ટ્રેચરનો કલર સફેદના બદલે કેસરી કરી દેવામાં આવ્યો છે. જો કે, આ કલર સ્ટ્રેચર ગુમ થઇ જતા હોવાથી અલગ તરી આવે તે માટે નર્સિંગ સ્ટાફ દ્વારા કોઈની પરવાનગી વગર કરી દેવામાં આવ્યાનો લૂલો બચાવ કરવામાં આવ્યો છે. આ અંગે ઇમર્જન્સી વિભાગમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો. અશ્વિન રામાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, સ્ટ્રેચરનો કલર સફેદ હોવો જોઈએ, પરંતુ ઇમર્જન્સી વિભાગના નર્સિંગ સ્ટાફ દ્વારા સ્ટ્રેચરની ઓળખ માટે કલર બદલવામાં આવ્યો છે. વારંવાર સ્ટ્રેચર ગુમ થઇ જતી હોય છે, જેની અવારનવાર અમે ફરિયાદ કરી છે. જો કે, કેસરી કલર યોગ્ય નથી માટે અમે ફરી સફેદ કલર સ્ટ્રેચર પર કરવા સૂચના આપી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલ ઓપીડીમાં સ્ટાફની ખુબ અછત છે. વારંવાર રજૂઆત કરવા છતાં સ્ટાફની ભરતી કરવામાં આવી રહી નથી. આ વાત કરતા કરતા તેઓ અકળાઈ ગયા હતા અને જણાવ્યું હતું કે, હું આવ્યો ત્યારે 800 OPD હતી અને આજે 2700ની OPD છે, છતાં સ્ટાફ હતો એટલો ને એટલો જ છે. મેડિકલ ઓફિસરના જણાવ્યા મુજબ આજે પણ રાજકોટ ઇમરજન્સી વિભાગમાં 3 મેડિકલ ઓફિસર, 3 પ્યુન, 1 નર્સિંગ સ્ટાફ અને 1 ECG માટે ટેક્નિશિયન છે. હજુ પણ વધુ 2 મેડિકલ ઓફિસર ઓછામાં ઓછા હોવા જોઈએ અને 1 નર્સિગ સ્ટાફ વધારે હોવા જોઇએ. નાઈટ શિફ્ટમાં પણ સ્ટાફ વધારવાની જરૂરિયાત છે. સિવિલ સુપ્રિટેન્ડન્ટ અને RMOને કહી પડી જ નથી. વારંવાર રજૂઆત કરવા છતાં તેઓની આંખ ખુલતી નથી. ઉલ્લેખનીય છે કે, કેસરી સ્ટ્રેચર અંગે વિવાદ સર્જાતા હવે ફરી સ્ટ્રેચરને સફેદ કલર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.