ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 જૂન 2019 (11:09 IST)

ગુજરાતભરમાં પાંચમાં વિશ્વ યોગ દિવસે ‘યોગ ફોર હાર્ટ કેર’ની થીમ સાથે જનભાગીદારીથી ઉજવણી

ગુજરાતભરમાં પાંચમાં વિશ્વ યોગ દિવસે ‘યોગ ફોર હાર્ટ કેર’ની થીમ સાથે જનભાગીદારીથી ઉજવણી થશે
રાજ્યમાં પ૦ હજારથી વધુ સ્થાનોએ ૧ કરોડ પ૧ લાખથી અધિક લોકો સામૂહિક યોગ અભ્યાસમાં જોડાશે
વિશ્વ યોગ દિવસની ગુજરાતમાં આ વર્ષે વિશિષ્ટ ઉજવણી, આ સ્થળે થશે સામૂહિક યોગ સાધના
‘અનેકતામાં એકતા’નો મંત્ર વિવિધ ધર્મસંપ્રદાયના ૧૦૦૦ જેટલા સંતો-મહંતો-ધર્મગુરૂઓ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સમીપે સાંધ્ય યોગ સાધનાથી સાકાર કરશે
 
 
ગાંધીનગર: આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને દુનિયાભરમાં તૈયારી ચાલી રહી છે. 21 જૂને 5મો આતંરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવશે. દર વર્ષે 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરાયું છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં વર્ષ 2015, 2016, 2017, અને 2018માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યમાં 21મી જૂને પાંચમા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી થાય અને તેમાં સૌ નાગરિકો જોડાય તેના સુચારૂ આયોજન માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય કક્ષાની તેમજ જિલ્લા- તાલુકા સ્તરની સંકલન સમિતિઓની રચના કરવામાં આવી છે.
 
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે આગામી તા. 21 જૂન-2019એ પાંચમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી ગુજરાતમાં જનઉત્સાહ અને ઉમંગ સાથે 50 હજારથી વધુ સ્થાનોએ સામૂહિક યોગ ક્રિયાથી કરાશે. આ વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણીની પાંચમી કડીમાં ગુજરાતમાં 33 જિલ્લાઓ 8 મહાનગરો તેમજ જિલ્લા, તાલુકા, નગરપાલિકા કક્ષાએ મળીને 1 કરોડ 51 લાખથી વધુ નાગરિકોને સામૂહિક યોગાભ્યાસમાં સાંકળી લેવાનું આયોજન રાજ્ય સરકારે કર્યુ છે તેની ભૂમિકા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા અને રમત-ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલે પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આપી હતી. 
 
તેમણે કહ્યું કે આ વર્ષે શાળા-મહાશાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજીસ-યુનિવર્સિટી તેમજ પોલીટેકનીક, ઇજનેરી-ફાર્મસી કોલેજના યુવા છાત્રો, આઇ.ટી.આઇ. જેવી શૈક્ષણિક સંસ્થાઓ સહિત જી.આઇ.ડી.સી.ના ઊદ્યોગો પણ સ્વૈચ્છિક સંગઠનો અને સ્વયંભૂ નાગરિક સમુદાય સાથે યોગ સાધનામાં જોડાવાના છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વ્યકિતના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય-તંદુરસ્તીને ચુસ્તી-સ્ફૂર્તીથી તરબતર રાખતી યોગ સાધનાથી હ્વદયરોગની બિમારીઓ પણ દૂર થઇ શકે તે અંગેની જનજાગૃતિ માટે આ વર્ષે પાંચમાં વિશ્વ  યોગ દિવસની થીમ-વિષયવસ્તુ ‘‘યોગ ફોર હાર્ટ કેર’’ રાખવામાં આવી છે. 
 
તેમણે આ વર્ષના વિશ્વ  યોગ દિવસની ઉજવણીની વિશેષતાઓ વર્ણવતા જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ધરોહર સમા યોગને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના સફળ પ્રયાસોથી વૈશ્વિક સ્વીકૃતિ મળી છે તેને હવે રાજ્યના પ્રવાસન-યાત્રાધામો અને ઐતિહાસિક મહત્તા ધરાવતા સ્થાનો સાથે જોડીને યોગ સહ પ્રવાસનને વેગ આપવાનો નવતર અભિગમ ગુજરાતે અપનાવ્યો છે. આ સંદર્ભમાં રાજ્યમાં વિવિધ ઐતિહાસિક, ધાર્મિક સ્થળો અને વ્યકિત વિશેષોના જન્મ સ્થળોએ પણ વિશ્વ યોગ દિવસની જનભાગીદારીથી ઉજવણી કરવામાં આવશે. 
 
૧પ૦ થી વધુ સ્થળોએ સામૂહિક યોગક્રિયા હાથ ધરાશે. તદ્દઅનુસાર મોઢેરા સૂર્યમંદિર, આદ્યશિકત ધામ અંબાજીનો ચાચર ચોક, દ્વાદશ જ્યોર્તિલીંગના પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ, ભગવાન કૃષ્ણની નગરી દ્વારિકા, ઉપરાંત ડાકોર, શામળાજી, પાવાગઢ, સીદી સૈયદની જાળી, રાણકીવાવ, સરખેજ રોજા, લોથલ, પોરબંદર કિર્તીમંદિર, ઉદવાડા પારસી અગિયારી, અમૂલ ડેરી, મહાત્મા મંદિર સમીપે દાંડીકૂટિર, અક્ષરધામ, તૂલસી શ્યામ, કવિ કલાપીની જન્મભૂમિ, બૌધ ગુફાઓ તેમજ સાપૂતારા જેવા પ્રવાસન ધામોમાં પણ યોગ્ય અભ્યાસ તા. 21 મી જૂને સવારે જનસહયોગથી પ્રેરિત કરવાના છીએ. 
 
વિશ્વ યોગ દિવસનો રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડીયમમાં રાજ્યપાલ ઓ. પી. કોહલી તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં સવારે 6 થી 8 દરમ્યાન યોજાશે. અમદાવાદ મહાનગરના વિવિધ સ્વૈચ્છિક સંગઠનો, નાગરિકો-યોગ પ્રેમીઓ આ સામૂહિક યોગ અભ્યાસમાં જોડાવાના છે. વિશ્વ યોગ દિવસની આ ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી સંબોધન-સંદેશનું પ્રસારણ સવારે 6:30 વાગ્યાથી રાજ્યભરમાં જિલ્લા-તાલુકા-નગર કક્ષાએ જે સામૂહિક યોગ અભ્યાસ થવાના છે ત્યાં વિડીયો લીંક મારફત પ્રસારિત કરવાની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
 
મંત્રીઓએ સનાતન હિન્દુ ધર્મમાં પણ યોગ-પ્રાણાયમ સાધનાનું વિશેષ મહત્વ છે તેને વ્યાપક ઊજાગર કરવા પ્રધાનમંત્રીની પ્રેરણાથી આ પાંચમાં વિશ્વ યોગ દિવસમાં વિવિધ ધર્મસંપ્રદાયના 1000 જેટલા સંતો-મહંતો-ધર્મગુરૂઓને પણ સામૂહિક યોગ અભ્યાસમાં સહભાગી કરવાના વિશિષ્ટ આયોજનની પણ વિસ્તૃત છણાવટ કરી હતી. તેમણે કહ્યું કે, યોગ-પ્રાણાયમ થકી સૌ કોઇ એકાગ્રતા-એકતા-સામૂહિકતાથી શાંતિ-બંધુત્વ અને સમરસતાને ઊજાગર કરે છે. 
 
આ સમરસતા-એકતાને રાષ્ટ્રની અખંડિતતા ઐકયના પ્રતિક સરદાર સાહેબની સ્મૃતિ સાથે જોડીને સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ કેવડીયા ખાતે આ સાધુ-સંતો-મહંતો પણ સામૂહિક સાંધ્ય યોગ અભ્યાસમાં જોડાશે. અને અનેકતામાં એકતાના મંત્રને યોગ સાધનાથી સાકાર કરશે. 
 
ગત વર્ષે 21મી જૂને ચોથા વિશ્વ  યોગ દિવસની ઉજવણીમાં 1 કરોડ 25 લાખ લોકોએ સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. આ વર્ષે 1 કરોડ 51 લાખથી વધુ લોકોને સામૂહિક યોગ સાધનામાં જોડવા માટે સમગ્ર વહિવટીતંત્ર અને જિલ્લા-નગરોના સત્તાતંત્રોએ સુદ્રઢ આયોજન કર્યુ છે. તેમણે કહ્યું કે યોગ લોકોનો સ્વભાવ બને અને મહત્તમ લોકો યોગ સાધનામાં સ્વેચ્છાએ જોડાય તેવા સફળ પ્રયાસો સરકાર અને સહયોગી સંસ્થાઓએ હાથ ધર્યા છે.