Last Modified: ગુરુવાર, 20 એપ્રિલ 2017 (12:43 IST)
ઇટાલિયન દંપતીએ સુરતના અનાથ ભાઈ-બહેનને દત્તક લીધા
સુરતમાં ફુટપાથ પર મળેલા ભાઈ-બહેનને ઇટાલીના ફેમેલીએ દત્તક લેતા આ બાળકોને માતા-પિતાની હુંફ પણ મળી છે. આઠ માસની કાયદાકીય પ્રક્રિયા બાદ આજે બાળકોને તેમના નવા માતા-પિતાના સોંપવામાં આવ્યા હતા. જે હવે તેમની સાથે ઇટાલી જશે. ત્રણ વર્ષ પહેલા ફૂટપાથ પરથી બંને મળ્યા હતા અને પોપાવાલા બાળાશ્રમ રહેતા હતા, હવે ઇટાલીના નાગરિક થશે
આ બાળકો સગા બે ભાઈ બહેન મુકેશ અને લક્ષા બિનવારસી હાલતમાં ત્રણ વર્ષ પહેલા મળી આવેલ હતા. શોધખોળ કરવા છતાં તેનાં માતા-પિતા મળી આવેલ ન હતા. તેથી આ બન્ને ભાઈ બહેનને સાથે દત્તક લઈ જાય તેને જ આપવાનો કાયદામાં ગાઈડલાઈન છે. અને આ તમામ પ્રક્રિયા ઓનલાઈન થાય છે. ઇટાલીનાં પરીવારે ઓનલાઈન ફોટા જોઈ બન્ને ભાઈ બહેનને દત્તક લેવા માટે ઓનલાઈન અરજી કરી બાળકોને પસંદ કર્યા હતા. છેલ્લાં પાંચથી આઠ મહિના સુધી તમામ કોર્ટ પ્રક્રિયા પૂર્ણ કરી આજ રોજ ચાઈલ્ડ વેલ્ફેર કમીટીની રૂબરૂમાં બન્ને ભાઈ બહેનને ઇટાલીનાં ફેમીલીને સોંપવામાં આવેલ છે.
સરકારની www.cara.nic.in વેબસાઈટ ઉપર જે પરીવારને બાળકો ન હોય તે જરૂરી પેપર સાથે અરજી કરી બાળકને દત્તક લેવા માટે અરજી કરે છે. જેમાં દત્તક લેનારાઓના નામ વેટીંગમાં હોય છે. નામ આવ્યા બાદ અરજી કરનારને જાણ કરાય છે. જો તે બાળકને પસંદ ન કરે તો 3 વખત પસંદગી માટે ચાન્સ હોય છે. ત્યાર પછી તેમણે ફરી ઓનલાઈન અરજી કરવી પડે છે. સંસ્થામાંથી છેલ્લા બે વર્ષમાં 5 બાળકો વિદેશમાં રહેતા પરીવારમાં આજે ઉછરી રહ્યા છે.