મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 17 જાન્યુઆરી 2024 (11:50 IST)

ચાર-ચાર બંગડીવાળી ગીત ગાવુ કિંજલ દવેને મોંઘુ પડ્યું, 1 લાખનો દંડ ભરવો પડશે

kinjal dave
- ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત કોઇપણ પ્લેટફોર્મ પર ગાવા પર સ્પષ્ટ પ્રતિબંધ
- કિંજલ દવેએ અદાલતના હુકમની ધરાર અવગણના કરી
- કોર્ટે કિંજલ દવેને એક લાખ રૂપિયાનો આકરો દંડ ફ્ટકાર્યો

ચાર-ચાર બંગડીવાળી ગાડી ગીત ગાતા કિંજલ દવે ભરાઇ છે. જેમાં રૂ.1 લાખનો દંડ ભરવો પડશે. તેમાં કોર્ટના પ્રતિબંધ છતાં ચાર-ચાર બંગડી ગાયું એટલે કિંજલ દવેને એક લાખનો દંડ થયો છે. લાઇવ, પબ્લિક ડોમેન કે સોશિયલ મીડિયામાં આ ગીત ગાવાની મનાઈ કરેલી છે. તેમજ ગીતના કોપીરાઈટ વિવાદ વચ્ચે ઓસ્ટ્રેલિયા, કેનેડા, USમાં 20-25 વખત ગાયું હતું. સાત દિવસમાં દંડની રકમ નહી ભરે તો કિંજલ દવેને એક સપ્તાહની સાદી કેદ થશે.

ચાર-ચાર બંગડીવાળી ગાડી ગીતના કોપીરાઇટ વિવાદમાં ગુજરાતી ગાયિકા કિંજલ દવેને આ ગીત કોઇપણ રીતે લાઇવ, પબ્લીક ડોમેઇન કે સોશિયલ મીડિયામાં ગાવા પર સિવિલ કોર્ટે અગાઉ સ્પષ્ટ પ્રતિબંધ ફરમાવાયો હોવા છતાં આ વખતની નવરાત્રિમાં કિંજલ દવે આ ગીત ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા સહિતના લાઇવ પરફોર્મન્સ અને યુ ટયુબ તેમજ પબ્લીક ડોમેઇનમાં ગાતા તેની વિરૂધ્ધ અદાલતી હુકમના તિરસ્કારની બદલ રેડ રીબન એન્ટરટેઇમેન્ટ પ્રા.લિ તરફ્થી કોર્ટમાં અરજી કરાઇ હતી. જેમાં કોર્ટે કિંજલ દવેને એક લાખ રૂપિયાનો આકરો દંડ ફ્ટકાર્યો છે.

સીટી સિવિલ જજ ભાવેશ કે.અવાશીયાએ સમગ્ર મામલાની ગંભીર નોંધ લઇ કિંજલ દવેના આ કૃત્યને અદાલતી તિરસ્કાર સમાન ગણાવ્યું હતુ અને તેને એક લાખ રૂપિયાનો દંડ સાત દિવસમાં વાદીને ચૂકવી આપવા ફરમાન કર્યું હતું. જો સાત દિવસમાં દંડની રકમ નહી ભરે તો કિંજલ દવેને એક સપ્તાહની સાદી કેદ ભોગવવા પણ કોર્ટે હુકમમાં ઠરાવ્યું હતું. રેડ રીબન એન્ટરટેઇનમેન્ટ પ્રા.લિ તરફ્થી સિવિલ પ્રોસીજર કોડ-1908ની કલમ-151ની રૂલ-39(2-એ) અન્વયે અરજી કરી કોર્ટનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતને લઇ કોપીરાઇટ હક્કો ધરાવે છે અને આ ગીતના શબ્દો, ગીત અને તેના ગાવા-વગાડવા પર તેમનો અધિકાર છે તેમ છતાં કિંજલ દવેએ તેમના આ અધિકાર પર તરાપ મારી ગીત અને શબ્દોની ઉઠાંતરી કરી આ ગીત બજારમાં ફરતુ કર્યું છે.

આ કેસમાં ગત તા.1-10-2022ના રોજ સિવિલ કોર્ટે કિંજલ દવેને ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત કોઇપણ પ્લેટફોર્મ પર ગાવા પર સ્પષ્ટ પ્રતિબંધ ફરમાવી દીધો હતો. સિવિલ કોર્ટના આ હુકમ છતાં કિંજલ દવેએ અદાલતના હુકમની ધરાર અવગણના કરી આ વખતની નવરાત્રિમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિતના દેશોમાં લાઇવ પરફોર્મન્સ, યુ ટયુબ અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર આ ગીત ગાઇને કોર્ટનો તિરસ્કાર કર્યો છે. પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે જણાવ્યું હતું કે, સિવિલ કોર્ટના હુકમ સામે કિંજલ દવે હાઇકોર્ટમાં પણ ગયા હતા પરંતુ હાઇકોર્ટે સિવિલ કોર્ટના હુકમમાં કાઇ દરમ્યાનગીરી કરી નથી, તેથી સિવિલ કોર્ટનો હુકમ આજે પણ અસ્તિત્વમાં છે. ખુદ કિંજલ દવેએ તેની ઉલટતપાસમાં કબૂલ્યું છે કે, તેણે 2023ની નવરાત્રિમાં આ ગીત 20થી 25 વખત ગાયુ છે. તેથી તેમને દંડ ભરવો પડશે.