1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (15:43 IST)

8 દિવસથી ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને રૂપાણી સરકાર માત્ર 3 કલાકમાં પરત લાવી

ચીનમાં ફાટી નીકળેલા કોરોના નામના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં ભય ફેલાઈ ગયો છે. ચીનમાં રહેતા અન્ય દેશના લોકો પરત આવવા મથામણ કરી રહ્યા છે ત્યારે જૂનાગઢના ચાર વિદ્યાર્થીઓ પરત આવી ગયા છે. ચીનમાં વસવાટ કરતાં ભારતના એમ્બેસેડરે 3 જ કલાકની અંદર જૂનાગઢના 4 વિદ્યાર્થીઓને પોતાના દેશ પરત આવવા માટેની તાબડતોબ વ્યવસ્થા કરાવી દીધી હતી. જેથી આજે મોનાર્ક સહિતના તેના ત્રણ મિત્રો સહી-સલામત પોતાના ઘરે પહોંચી ગયા છે.
 
જૂનાગઢનો મોનાર્ક મનસુખભાઇ સાવલિયા નામનો વિદ્યાર્થી કે જે ચીનની રાજધાનીમાં MBBSમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. છેલ્લા વિસેક દિવસથી ચીનની અંદર ડિટેક્ટ થયેલો કોરોના નામનો વાયરસથી સમગ્ર ચીન ભયભીત બન્યું છે. આ વાયરસ બેકાબૂ બની ગયો છે અને લોકોના ટપોટપ મોત થઈ રહ્યા છે ત્યારે ત્યાંની સરકારે ચીનમાં વસવાટ કરતા અન્ય દેશના નાગરિકો, વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓને પોતાના દેશમાં જવા માટેના આદેશો કરી દીધો છે પરંતુ કોઈને કોઈ કારણોસર પોતાના દેશ પરત ફરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મોનાર્ક સહિતના જૂનાગઢ જિલ્લાના 6 વિદ્યાર્થીઓમાથી 4 વિદ્યાર્થીઓ જુનાગઢ મોનાર્ક સાથે પરત ફરતા તેના વાલીઓએ ખૂબ જ રાહતનો શ્વાસ લીધો છે.
 
મોનાર્ક પોતાની આપવીતી જણાવે છે કે વાયરસના કારણે સમગ્ર ચીન ભયભીત થઈ ગયું છે તેઓને જેલની જેમ જ રૂમમાં રહેવા મજબૂર બનવું પડતું હતું. આઠ-દસ દિવસ સુધી આવી રીતના રૂમમાં ને રૂમમાં પોતે દિવસો પસાર કરતા હતા. જે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા તેના યુનિવર્સિટીના સત્તાધીશોએ પણ પોતાના દેશ જવા માટેના આદેશ આપી દીધા હતા પરંતુ વહીવટી કારણોસર ખૂબ જ મુશ્કેલી પડતી હતી. જેથી તેણે જુનાગઢના સ્થાનિક આગેવાનોનો સંપર્ક કર્યો અને તેઓએ મુખ્યમંત્રી સાથે સંપર્ક કરાવી અને મુખ્યમંત્રીએ વિદેશ મંત્રાલયનો સંપર્ક કરી અને વિદેશ મંત્રાલય ચીનની એમ્બેસીનો સંપર્ક કર્યો હતો. જેથી ચીનમાં વસવાટ કરતાં ભારતના એમ્બેસેડરે ત્રણ જ કલાકની અંદર જૂનાગઢના 4 વિદ્યાર્થીઓને પોતાના દેશ પરત આવવા માટેની તાબડતોડ વ્યવસ્થા કરાવી દીધી હતી. જેથી આજે મોનાર્ક સહિતના તેના ત્રણ મિત્રો સહી-સલામત પોતાના ઘરે પહોંચી ગયા છે અને સરકારનો ખુબ ખુબ આભાર માની રહ્યા છે.