કોરોનાના કેર વચ્ચે ગુજરાત માથે તીડનું સંકટ, ખેડૂતોની ચિંતા વધી

locust
Last Modified રવિવાર, 24 મે 2020 (09:11 IST)
ગુજરાતના નવ જિલ્લાના 13 તાલુકામાં તીડનું આક્રમણ થતાં 191 હૅક્ટર જેટલા વિસ્તારમાં પાકને અસર થઈ છે. આમાં બનાસકાંઠા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર અને અમરેલી સામેલ છે. રાજસ્થાન પત્રિકા અખબાર પ્રમાણે તીડના આક્રમણને જોતાં ખેડૂતો ઊભા પાકને લઈને ચિંતિત છે. રાજ્યમાં આ વર્ષે આઠમી મેના દિવસે બનાસકાંઠાના વાવ તાલુકામાં સૌપ્રથમ તીડનો હુમલો થયો હતો.
ત્યારે રાજ્ય સરકારનું કહેવું છે કે આ પરિસ્થિતિ માટે સરકાર તૈયાર છે. રાજ્યના કૃષિ મંત્રી આર. સી. ફળદુએ કહ્યું કે આ જિલ્લાઓના અધિકારીઓ કેન્દ્ર સરકારની તીડ નિયંત્રણ ટીમ સાથે સંપર્કમાં છે તથા જિલ્લા સ્તર પર કંટ્રોલરૂમ પણ બનાવવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રને નર્મદાનું પાણી મળશે

ચાર હજાર મિલિયન ક્યૂબિક ફૂટ જેટલું નર્મદાનું પાણી સૌરાષ્ટ્રનાં ડૅમો અને જળાશયો તરફ છોડવામાં આવશે, એવો નિર્ણય ગુજરાત સરકારે લીધો છે.
અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન એક્સપ્રેસ પ્રમાણે અધિકારીઓને ટાંકતાં છે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના (સૌની યોજના) હેઠળ પાણીની તંગીનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્ર તરફ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વની કુમારે કહ્યું કે, "મુખ્ય મંત્રીએ નિર્ણય કર્યો છે કે નર્મદા નદીમાંથી ચાર હજાર મિલિયન ક્યૂબિક પાણીને 25 જળાશયો, 120 તળાવો અને 400 જેટલા ચૅક-ડૅમમાં છોડવામાં આવશે."

આનાથી સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવશે એટલું જ નહીં પણ સાથે ભૂગર્ભ જળસ્તરને સુધારવામાં અને ઉનાળામાં પશુધનને પાણી પૂરું પાડવામાં પણ મદદ થશે.

અમદાવાદ મિરરમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને અમદાવાદની બધી ખાનગી મલ્ટી-સ્પેશિયાલિટી અને કૉર્પોરેટ હૉસ્પિટલોમાં 50 ટકા બેડ્સ કોવિડ-19ના દર્દીઓ માટે આરક્ષિત કરવાના નિર્દેશ આપવા કહ્યું છે.
હાઈકોર્ટે ગુજરાતમાં કોવિડ-19ની કામગીરી સંભાળી રહેલા રાજીવ ગુપ્તાને પ્રશ્ન કર્યો છે કે આઠ મોટી હૉસ્પિટલોએ કેમ સરકાર સાથેના MOU પર હસ્તાક્ષર નથી કર્યા.

ગુજરાત હાઈકોર્ટે આઠ હૉસ્પિટલોને કહ્યું કે તેમણે કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે આગળ આવવું જોઈએ.


આ પણ વાંચો :