ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2021 (05:56 IST)

પુત્રપ્રેમમાં મધુ શ્રીવાસ્તવ થયા નારાજ, અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવવાનો કર્યો ઇશારો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે રાજ્યમાં પુરજોશમાં તમામએ પક્ષો તૈયારી આરંભી દીધી છે. કોંગ્રેસ અને ભાજપે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. ટિકીટ વહેંચણીને લઇને ભાજપમાં મનદુખનો વાયરો વાયો છે. રાજકોટમાં સહિત વડોદરામાં ટીકીટ વહેંચણીને લઇને ખટરાગ ઉભા થઇ રહ્યા છે. 
 
ભાજપે વડોદરા મહાનગરપાલિકાના તમામ 19 વોર્ડમાં વોર્ડ દીઠ ચાર એમ કુલ 76 ઉમદવારોના નામ જાહેર કર્યા છે. ત્યારે વડોદરા જિલ્લાના વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવને ટિકિટ નહીં મળતા મધુ શ્રીવાસ્તવ નારાજ થયા છે અને પુત્રને અપક્ષ ચૂંટણી લડાવવાના સંકેત આપ્યા છે. 
 
ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, ઘણી પાર્ટીઓ છે. એક જ પાર્ટી પર છાપ મારી નથી. હું ભાજપનો ધારાસભ્ય છું, અમે ભાજપને વફાદાર છીએ. ચૂંટાયા પછી પણ અમે ભાજપ સાથે જ રહેવાના છીએ. 6 તારીખ સુધીમાં કોઇક નવા જૂની થશે,
 
વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પાર્ટીમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ બદલાયા છે, એમને નિયમો બદલ્યા છે. શૈલેષ સોટ્ટાના દીકરાને પણ ટિકિટ આપી નથી. મારા દિકરાને પણ ટિકિટ આપી નથી. મને કોઇ દુઃખ નથી, મને દુઃખ એ વાતનું છે કે, મારો દિકરો 10 વર્ષ સુધી કોર્પોરેટર તરીકે રહ્યો, મારો દિકરો પહેલી વખત અપક્ષ ચૂંટણી જીત્યો, મારો દિકરો બીજી વખત વડોદરામાં સૌથી મતથી ચૂંટાઇ આવ્યો હતો. તો પણ ટિકિટ આપી નથી, હજી એક દિવસ બાકી છે. અમને આશા છે કે, 6 તારીખ સુધીમાં કોઇક નવા જૂની થશે.
 
મધુ શ્રીવાસ્તવે કહ્યું કે તેમના પુત્ર દિપક શ્રીવાસ્તવ પહેલા અપક્ષમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા તથા તેઓ પોતે પણ અપક્ષમાંથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. આવું કહી તેમણે આડકતરી રીતે કહી દીધું કે ભાજપ ટિકિટ ન આપે તો તેમના પુત્ર દિપક શ્રીવાસ્તવ અપક્ષ લડીને પણ જીતી શકે છે.
 
વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવ વડોદરાના વોર્ડ નંબર 15ના કાઉન્સિલર વર્તમાન કાઉન્સિલર છે. જોકે ભાજપે આજે જાહેર કરેલી યાદીમાં દિપક શ્રીવાસ્તવની ટિકિટ કપાઇ જતા મધુ શ્રીવાસ્તવ નારાજ થયા છે અને પુત્રને અપક્ષ ચૂંટણી લડાવવાના સંકેત આપ્યા છે.