સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 8 ઑક્ટોબર 2018 (10:43 IST)

MPની ચૂંટણી જીતવા 23 સિંહોનો ભોગ લેવાયો, પરેશ ધાનાણીએ સરકાર પર લગાવ્યો આરોપ

ગીરમાં અત્યાર સુધી કુલ 23 સિંહના મોત થયા છે. તો આ મામલે રાજ્ય સરકારની ટીકા પણ થઈ રહી છે. બીજીતરફ આજે ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને કહ્યું કે, મધ્યપ્રદેશની ચૂંટણી જીતવા માટે ગુજરાતના 23 સિંહોનું બલિદાન લેવામાં આવ્યું છે. 
વિપક્ષ નેતાએ પોતાના ટ્વીટમાં તંત્ર પર ખોરાકમાં ઝેર ભેળવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે સિંહોના મોતને એક ષડયંત્ર ગણાવ્યું છે.  પરેશ ધાનાણીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, બબ્બર શેરોની શહિદી કે ષડયંત્ર.. તંત્ર દ્વારા પિરસાયેલ રોગિષ્ઠ ખોરાકથી બલિ ચડીને શહીદ થયેલા બબ્બર શેરોને સલામ. ગુજરાતના ગૌરવવંતા બબ્બર શેરને મધ્યપ્રદેશમાં ધકેલીને ચૂંટણીમાં રાજકીય રોટલા સેકવા માટે 23થી વધુ સિંહોને સરકારે લાશોના ઢગલા પર બલિ ચઢાવી છે. 
જૂનાગઢમાં જામવાળા એનિમલ કેર સેન્ટરમાં બિમાર સિંહની સારવાર ચાલી રહી છે ત્યારે અમેરિકાથી સિંહોની સારવાર માટે વેક્સિન મંગાવવામાં આવી જેને મુંબઇથી રાજકોટ લાવવામાં આવી છે. રાજકોટથી વેક્સિનને જૂનાગઢ અને ત્યાર બાદ જામવાળા એનિમલ કેર સેન્ટર લઇ જવામાં આવશે. સિંહને વેક્સિન આપવા માટે નિષ્ણાંત દ્વારા સૂચન પણ આપવામાં આવ્યું. અમેરિકાથી લાવવામાં આવેલા વેક્સિનને આપવા માટે શક્કરબાગ ઝૂના ડિરેક્ટર પણ આવી પહોંચ્યા હતા. અમેરિકાથી 300 વેક્સિન સિંહો માટે મંગાવવામાં આવી છે. જેને માઇનસ 16 ડિગ્રી ટેમ્પરેચરમાં રાખવામાં આવી છે.