1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 10 માર્ચ 2023 (13:20 IST)

હવામાન વિભાગની આગાહી: માર્ચ-એપ્રિલમાં ભુક્કા કાઢી નાખશે ગરમી, હિટ સ્ટ્રોકના દર્દીઓ માટે વોર્ડ શરૂ કરાયો

weather news
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, માર્ચ અને મે વચ્ચે, ઉત્તરપૂર્વ અને મધ્ય ભારતના મોટાભાગના ભાગો અને ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે. તે જ સમયે, દેશના બાકીના ભાગોમાં તાપમાન સામાન્ય અથવા સામાન્યથી ઓછું રહી શકે છે. પશ્ચિમ રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, મહારાષ્ટ્ર, તેલંગાણા અને દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશમાં મહત્તમ તાપમાન 34 થી 37 ડિગ્રી વચ્ચે રહ્યું હતું.
 
ગુજરાતમાં સત્તાવાર રીતે ગરમીની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે માર્ચ અને એપ્રિલમાં અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત માર્ચ મહિનામાં માવઠાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વધતી ગરમીને કારણે અમદાવાદના સોલા સિવિલમાં હિટ સ્ટ્રોક વોર્ડ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. 
વધતી કાળઝાળ ગરમીને કારણે અમદાવાદમાં હિટ સ્ટ્રોકના દર્દીને સારવાર મળી રહે તે માટે સિવિલ અને સોલા સિવિલમાં ૧૨થી ૧૫ બેડનો અલાયદો વોર્ડ શરૂ કરાશે. આ અંગે સિવિલના આરએમઓ ડો. પ્રદીર પટેલે મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, માર્ચથી હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દી માટે અલાયદો વોર્ડ શરૂ કરાશે.
 
આ ઉપરાંત અન્ય સિનિયર ડોક્ટરે પણ જણાવ્યુ કે, ગયા વર્ષે પણ હોસ્પિટલમાં ૧૨ બેડનો હીટ સ્ટ્રોક વોર્ડ શરૂ કરાયો હતો. તે રીતે આ વખતે પણ હિટ સ્ટ્રોક વોર્ડ શરૂ કરવામાં આવશે. આગામી ૪૮ કલાક બાદ મહત્તમ તાપમાનમાં પણ ચાર ડિગ્રીનો વધારો થશે. જેના કારણે ગરમીનું પ્રમાણ વધશે. 
 
આ સાથે હવામાન નિષ્ણાતોના મતે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. ચોથી માર્ચના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. માવઠાની સંભાવનાને પગલે ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં ગુરુવારથી મંગળવાર સુધી મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી વચ્ચે નોંધાઇ શકે છે. સોમવારે અમદાવાદનું સરેરાશ લઘુતમ તાપમાન ૧૭ ડિગ્રી હતું.