ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 એપ્રિલ 2022 (15:59 IST)

રાજકોટ પોલીસ જાપ્તામાંથી ફરાર કેસમાં MLA કાંધલ જાડેજાને કોર્ટે દોષી જાહેર કર્યા

Kandhal jadeja
કુતિયાણાના NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા રાજકોટ પોલીસના જાપ્તામાંથી ફરાર થવાના કેસમાં રાજકોટ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. 5 ફેબ્રુઆરી 2007માં કાંધલ જાડેજા રાજકોટના વિદ્યાનગર રોડ પર આવેલી શિવાની હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયા હતા.

કાંધલ જાડેજા, 4 પોલીસ કર્મચારી, 3 ડોક્ટર સહિત 14 શખસ સામે કોર્ટમાં કેસ ચાલતો હતો. આજે રાજકોટ કોર્ટે કાંધલ જાડેજાને દોષિત જાહેર કરતો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં 2 વર્ષની સજાની જોગવાઇ છે. તેમજ તાત્કાલિક જામીન પર મુક્ત થઈ શકે તેવી પણ જોગવાઇ છે. પોરબંદરમાં હત્યા કરવાના આરોપસર જે-તે સમયે રાજકોટ જેલમાં કાચા કામના કેદી તરીકે રાખ્યા હતા. રાજકોટ જેલમાંથી સારવાર માટે મનહર પ્લોટમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા બાદ કાંધલ જાડેજાના જાપ્તા માટે રખાયેલી પોલીસ કર્મચારીઓ સાથે સાઠગાંઠ રચીને ભાગી ગયા હતા. ફરાર કાંધલ જાડેજા 2009માં મહારાષ્ટ્રમાંથી ઝડપાઇ જતાં તેને 15 દિવસની રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરાયા હતા. અદાલતે રિમાન્ડની માગણી રદ કરતા પોલીસે નીચેની કોર્ટના રિમાન્ડ રદ કરવાના હુકમને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો.

1 માર્ચ 2005ના રોજ પોરબંદરના કાંધલ જાડેજા અને કાના જાડેજાને પૂર્વ નગરસેવક કેશુ નેભા ઓડેદરા સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. બાદમાં કાંધલ જાડેજા અને કાના જાડેજાએ ફાયરિંગ કરી કેશુ નેભાની હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે કાંધલ જાડેજા, કાના જાડેજા સહિત 9 સામે ફરિયાદ નોંધાઇ હતી. જોકે જુલાઇ 2021માં કાના જાડેજા સહિત 8 આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા.