શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 જાન્યુઆરી 2020 (11:07 IST)

મોઢેરા સૂર્યમંદિરમાં દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો પ્રારંભ, તસવીરો જોઇને થઇ જશો મંત્રમુગ્ધ

અનેકતામાં એકતાની આપણી ભારતીય  સંસ્કૃતિ તો પહેલેથી જ સૂર્ય તથા દેવી-દેવતાઓના માધ્યમથી પરસ્પર જોડાયેલી છે. અનેક  ભાષા-પ્રાંત-બોલીઓ, પહેરવેશ અને સંસ્કૃતિ હોવા છતાં એક ભારત શ્રેષ્ઠ ભારત એ જ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. અંબાજીથી આસન સોલ અને દ્વારકાથી દિબ્રુગઢ સુધીના ભારતના બધા જ પ્રાંત-પ્રદેશો રાજ્યો એકબીજા સાથે સાંસ્કૃતિક તાદાત્મ્યથી જોડાયેલા છે તેવું જણાવીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, પશ્ચિમ ભારતના આ મોઢેરા સુર્યમંદિરના ઉત્તરાર્ધ ઉત્સવ જેમજ પૂર્વમાં કોર્ણાક સૂર્યમંદિરમાં ડાન્સ ફેસ્ટીવલ યોજાય છે. શકિત સ્વરૂપા આદ્યશકિતનો ઉત્સવ નવરાત્રિ ગુજરાતની વૈશ્વિક પહેચાન છે તો બંગાળનો દુર્ગાપૂજા શકિત આરાધનાનો સમન્વયકારી ઉત્સવ છે. પોરબંદરના મોહનદાસ ગાંધીને મહાત્માનું બિરૂદ પણ બિહારના ચંપારણ્ય સત્યાગ્રહ અપાવેલુ છે. દ્વારિકાના મોહનના અરુણાચલ પ્રદેશના રુકમણી વિવાહ પણ એ ઐતીહાસીક ધરોહરના ઉત્તમ ઉદાહરણ છે.
    
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, આધુનિક અને વિકસતા યુગમાં સૂર્ય ઉપાસના માટે સૂર્યશકિતના મહત્તમ વિનિયોગ માટે સૌર ઊર્જા સોલાર એનર્જીનું હબ હવે ગુજરાત બન્યું છે. અને એ સૂર્ય પ્રકાશ ને સૌર ઊર્જા સોલાર એનર્જીમાં રૂપાંતરિત કરીને ગુજરાતે બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોત વિકસાવ્યા છે. આ જિલ્લાની સમીપે આવેલું ચારણકા તો એશિયાના સૌથી મોટા સોલાર પાર્કનું ગૌરવ ધરાવે છે.
સૌરઊર્જા એટલે કે સૂર્યની શકિતઓથી માનવજીવનમાં ઋતુચક્ર મુજબ શારીરિક માનસિક આધ્યાત્મિક ઊર્જાનો સંપર્ક પણ થતો હોય છે તેવું જણાવી મુખ્યમંત્રીએ કહ્યું કે, શિયાળાની ઠંડીમાં સૂર્યના કિરણોનો સ્પર્શ તાજગી સાથે હૂંફનો પણ અહેસાસ કરાવે છે. ઉત્તરાયણ પછી સૂર્યનારાયણ જ્યારે ઉત્તર તરફ પ્રયાણ કરે ત્યારે શિયાળાના અંત અને વસંતના આરંભની શરૂઆત ઉત્સવ રૂપે નવી ચેતનાનો અનુભવ આપણને કરાવે છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સૂર્યમંદિરના પરિસરમાં ઉત્તરાર્ધ નૃત્ય ઉત્સવ પણ એવી જ નવી ચેતના-નવા જોમ નવી શકિતનો ઉદ્દીપક બન્યો છે.
ગુર્જરધરા પહેલેથી જ નસીબવંતી ધરા છે તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, રાજવીવંશ તરફથી એક એકથી ચડિયાતા અજોડ અને બેજોડ સ્થાપત્યો, શિલ્પકલાના ઉત્કૃષ્ટ નજરાણાં મળ્યાં છે. મુનસર તળાવ, મલાવ તળાવ, બિંદુ સરોવર, સહસ્ત્રલીંગ તળાવ, રૂદ્ર મહાલય જેવા અનેક ઐતિહાસિક સ્થાપત્યો છે. સલ્તનત યુગમાં આપણને સરખેજ રોજા, જામા મસ્જિદ, ચાંપાનેરના અમૂલ્ય સ્થાપત્યો મળ્યાં અને સ્થળોએ ગુજરાતના ઈતિહાસમાં આગવું સ્થાન મેળવ્યું છે.
આ દિવ્ય સૂર્યમંદિરની ગરિમાને રાજ્ય સરકારે આ ઉત્તરાર્ધ ઉત્સવ આયોજન દ્વારા વધુ ઉન્નત બનાવવાનો પ્રયાસ કર્યો છે તેમ કહી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજથી સદીઓ પહેલા આજની જેવા કોઇ જ વૈજ્ઞાનિક સાધનો ન હોવા છતાં એ ટાંચા સાધનોના યુગમાં પણ અદભૂત ગણતરી અને ભૂમિતિક આયોજન સાથે કરાયેલી આ મંદિરની રચના ગુજરાતનો વારસો સૈકાઓ પહેલાં પણ કેવો સમૃદ્ધ હતો તેની પ્રતીતિ કરાવે છે. 12 મહિના મુજબ સૂર્યની 12 પ્રતિમા, 52 અઠવાડિયા પ્રમાણે 52 સ્તંભ, દિવસ પ્રમાણે 365 હાથી પર સભામંડપ અને 7 દિવસ મુજબ 7 ઘોડા સૂર્યનો રથ અને 8 પ્રહર પ્રમાણે સૂર્યની અષ્ટપ્રતિમા છે અને આજે પણ લોકો આ ગણતરીને અનુસરે છે.
આ ઉત્તરાર્ધ ઉત્સવ એ મોઢેરાના સૂર્યમંદિરની ગરિમાને વધુ ઉન્નત બનાવવાનો પ્રયાસ છે. બે દિવસના આ ઐતિહાસિક સ્થળના સાન્નિધ્યમાં નૃત્યપ્રસ્તુતિઓ અને ઐતિહાસિક ધરોહરનો સુભગ સમન્વય રચાશે. આ ઉત્સવના માધ્યમથી લોકો આપણા ઐતિહાસિક વારસાથી વધુ નિકટ આવશે. કલા-સંસ્કૃતિને સંવર્ધિત કરવા સરકાર પણ પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, કલા મહાકુંભ દ્વારા રાજ્યના લાખો આબાલ-વૃદ્ધ કલા કસબીઓની સુષુપ્ત કલાને નિખારવાનો મંચ આપ્યો છે. 
રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ સંગીત નાટક અકાદમી દ્વારા જિલ્લા વહિવટીતંત્રના સહયોગથી તા. ર૧ અને રર જાન્યુઆરી દરમિયાન આ ઉત્તરાર્ધ  ઉત્સવ યોજાઇ રહ્યો છે. ઉત્તરાર્ધ ઉત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે મુંબઇના કલાગુરુ સુદ્યાજી ચંદ્રન (ભરતનાટ્યમ્), કલાગુરુ ગ્રેસીસીંઘ (ઓડીસી), કલાગુરુ વિનીતા શ્રીનંદન (મોહીનીઅટ્ટમ) અને આંધપ્રદેશના કલાગુરુ કે.વી.સત્યનારાયણ( કુચીપુડી બેલે)નું  સાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે ભુવનેશ્વરના કલાગુરુ મોહેંતી(ઓડીસી), અમદાવાદના કલાગુરુ ભરત બારીયા, અક્ષય પટેલ, કુ.શીતલ બારોટનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ઉત્તરાર્ધ ઉત્સવના પ્રથમ દિવસે ગણેશવંદના, ભરતનાટ્યમ, ઓડીસી, કચીપુડી બેલે, મોહિનીઅટ્ટમ જેવા નૃત્યો કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.