મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 20 મે 2017 (11:56 IST)

અમદાવાદમાં વાંદરાઓ ગરમી વધવાથી આક્રમક બન્યાં - 20 લોકોને બચકાં ભર્યા

કાળઝાળ ગરમીની અસર વાંદરાઓમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં મે મહિના દરમિયાન અત્યાર સુધી ૨૦થી  લોકોને વાંદરાઓએ બચકાં ભર્યા છે. ખાસ કરીને છેલ્લા એક સપ્તાહ દરમિયાન આંબાવાડી, નારણપુરા, ખોખરા, લાંભા જેવા વિસ્તારોમાંથી વાંદરાઓએ બચકાં ભર્યા હોવાના સૌથી વધારે કેસ નોંધાયા છે. વધુ ચિંતાની વાત એ છે કે ઉનાળામાં વહેલી સવારે લોકો ધાબા પર મીઠી નિન્દ્રા માણી રહ્યા હોય છે ત્યારે વાંદરાઓ તેમને પોતાના નિશાન બનાવી રહ્યા છે.

ગત સપ્તાહે ૧૧ મેના રોજ નારણપુરા ખાતે ધાબા પર નિન્દ્રા માણી રહેલા છ લોકોને વાંદરાએ બચકાં ભર્યા હતા. આંબાવાડીમાં ચાર લોકોને વાંદરાએ બચકાં ભર્યા હોવાની ઘટના સામે આવી છે. મોટાભાગના  કિસ્સાઓમાં બચકાં ભરનારો નર વાંદરો હતો કે જે પોતાના ટોળાથી વિખૂટો પડી ગયો હતો.  ગુરુવારે સવારે પ્રાણીસંગ્રહાલયને આંબાવાડી વિસ્તારમાંથી એવો ફોન આવ્યો હતો કે ચાર વ્યક્તિઓ પર વાંદરાએ હૂમલો કર્યો છે.વાંદરાએ પગ અને હાથમાં બચકાં ભર્યા હતા.  આ ફોન બાદ પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓ  તાકીદે ત્યાં પહોંચ્યા ત્યારે ઉત્પાત મચાવનારો વાંદરો ત્યાં મળ્યો નહોતો. 

નિષ્ણાતોના મતે વધારે પડતી ગરમી પણ વાંદરાઓના વધારે પડતા આક્રમક થઇ જવા માટે જવાબદાર છે. ગરમીને કારણે વાંદરાઓને પૂરતું પાણી કે ખોરાક મળતો નથી એટલે તેઓનો ગુસ્સો વધી જાય છે. આ ઘટનાઓ બાદ ધાબા પર ઉંઘવા જતા લોકોમાં પણ ભય પેસી ગયો છે. બપોરના સમયે પણ વાંદરાઓનું ટોળું ધાબા પરની ડિશ એન્ટિનાને નુકસાન પહોંચાડે છે તેમજ ટેલિફોનના વાયરને તોડી નાખે છે. કેટલાક કિસ્સાઓમાં વાંદરાઓ છેક ઘરના રસોડા સુધી પણ ઘૂસી આવ્યા હોવાની ફરિયાદ આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે વયોવૃદ્ધ વાંદરાને તેમના જૂથમાંથી હાંકી કાઢવામાં આવે છે. જેના કારણે આ વૃદ્ધ વાંદરો જનૂની બનીને લોકો પર ગુસ્સો ઉતારે છે.