શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 7 જૂન 2021 (18:51 IST)

વિદ્યાર્થીઓના અભ્યાસનો બદલાયો ટ્રેડ - નવુ સત્ર શરૂ થતા હવે વાલીઓ પુસ્તકોની દુકાનમાં નહી પણ મોબાઈલની દુકાનમાં જોવા મળ્યા

બાળકો માટે પસંદ કરી રહ્યા છે લોંગ ટાઈમ ગેજેટ

કોરોનાએ ઘણુ બધુ બદલી નાખ્યુ છે.  જે વાલીઓ વિદ્યાર્થીઓના ફોન વાપરવાને કારણે ચિંતા કરતા હતા અને ઈચ્છતા હતા કે બાળકો મોબાઈલ નહી પુસ્તકો હાથમાં પકડે એ જ વાલીઓ હવે પોતાના દરેક બાળક માટે જુદો મોબાઈલ લેવા દુકાન પર જતા જોવા મળી રહ્યા છે. છેલ્લા દોઢેક વર્ષથી રાજ્ય સહિત દેશભરમાં શિક્ષણ ઓનલાઇન કરવામાં આવ્યું છે. હવે વર્ષ 2020-21ના શૈક્ષણિક વર્ષમાં પણ સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવ્યું હતું. જેના કારણે હવે વિદ્યાર્થીઓને હવે બુકની નહીં પરંતુ સ્માર્ટ ફોન અને ટેબ્લેટની જરૂર પડી રહી છે. આજે રાજ્યભરમાં સ્કૂલ્સ શરૂ થતાં બુક સ્ટોલમાં નહીં પરંતુ મોબાઈલ શોપમાં વાલીઓ વધુ જોવા મળ્યા હતા. મોબાઈલ સ્ટોરમાં અત્યારે 30 ટકા ઇન્ક્વાયરી માત્ર વિદ્યાર્થીઓ માટે જ આવે છે.

કોરોનાને કારણે સતત બીજું વર્ષ એવું છે કે, વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરવો પડી રહ્યો છે. ઓનલાઈન એજ્યુકેશનને કારણે છેલ્લા બે વર્ષથી રાજકોટમાં પણ ઘરે ઘરે મોબાઈલ,ટેબ્લેટ અને લેપટોપનો વપરાશ વધ્યો છે.ઓનલાઇન એજ્યુકેશનને કારણે છેલ્લા 10 દિવસમાં રાજકોટમાં રૂ. 15 કરોડથી વધુ રકમના મોબાઇલ, ટેબ્લેટ અને લેપટોપ વેચાયા છે. જેમાં 70 ટકા વર્ગ લોન, ક્રેડિટ કાર્ડથી અને 30 ટકા જ વર્ગ એવો છે કે જે રોકડેથી ખરીદી કરે છે. કોરોના પહેલા વાલીઓને પુસ્તક, સ્ટેશનરી ખરીદી માટે બજેટ ફાળવતા હતા તેના બદલે હવે ગેજેટની ખરીદી માટે ફાળવે છે.

મોટાભાગના વાલીઓએ મોબાઈલ અને ટેબ્લેટ ખરીદી માટે રૂ. 8 હજારથી લઈને રૂ.15 હજાર સુધીનું જ પોતાનું બજેટ ફાળવ્યું છે. જોકે ઓનલાઈન એજ્યુકેશન માટે ગત વર્ષની સરખામણીએ મોબાઈલ માર્કેટમાં 30 ટકા જ વેપાર થયો છે.ગત વર્ષે જ્યારે લોકડાઉન ખુલ્યું હતું ત્યારે મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટની ખરીદી માટે વર્ગ જોવા મળ્યો હતો, પરંતુ બીજા શૈક્ષણિક વપરાશ માટે જ્યારે મોબાઈલની ખરીદી થાય છે ત્યારે વાલીઓ લોંગ લાઈફ અને પ્રાઈઝ ફેક્ટર જોવે છે.વાલીઓમાં એવું વલણ જોવા મળે છે કે તે જે ગેજેટની ખરીદી કરે એ લોંગ ટાઈમ ચાલવી જોઈએ. જેથી કરીને તેના પર આવતા બિનજરૂરી ખર્ચથી બચી શકાય. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ઘરમાં માતા- પિતા કે મોટા ભાઈ બહેન પાસે મોબાઇલ હોય તેનાથી જ કામ ચલાવી લેતા હોય છે, પરંતુ કોરોનાને કારણે ગત વર્ષથી જ ઓનલાઈન એજ્યુકેશન શરૂ થતા વિદ્યાર્થીઓને પોતાના પર્સનલ મોબાઈલ, લેપટોપ અને ટેબ્લેટની જરૂરિયાત ઊભી થઇ. જેને કારણે એકસાથે ખરીદી નીકળતા એક તબક્કે મોબાઈલની દુકાનમાં સ્ટોક ખૂટી પડ્યા હતા. વેઈટિંગમાં ઓર્ડર હતા, પરંતુ આ વખતે મોબાઈલના ડીલર્સે એડવાન્સમાં જ સ્ટોક કરી લેતા દરેકને પોતાના બજેટમાં ગેજેટ મળી રહ્યા છે. ગયા વર્ષે 70 ટકા ખરીદી રોકડેથી થઈ હતી.