મહેસાણામાં હોર્સ રાઈડિંગ શોમાં મા -દિકરીએ બાજી મારી, ચાર શિલ્ડ જીત્યા
મહેસાણા જિલ્લા પોલીસની હોર્સ રાઇડીંગ ક્લબનાં સભ્ય એવા માતા-પુત્રીએ બનાસકાંઠાના જસરામાં યોજાયેલા ‘હોર્સ શો’માં શ્રેષ્ઠ પ્રદર્શન કરી મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સ્પર્ધામાં પ્રાચી 3 ઇવેન્ટમાં પ્રથમ આવી, તો તેની માતા જયશ્રીબેન રેસની ઇવેન્ટમાં તૃતીય સ્થાને વિજેતા બન્યાં છે.
મૂળ બહુચરાજી તાલુકાના શંખલપુર ગામનાં વતની અને હાલ મહેસાણામાં રહેતાં પ્રાચી અને જયશ્રીબેન યોગેશકુમાર મોદી મહેસાણા જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ ક્વાર્ટરમાં ચાલતી હોર્સ રાઇડીંગ ક્લબનાં સભ્ય છે. વિશેષ તાલીમ મેળવનારી પ્રાચી અને જયશ્રીબેને મહાશિવરાત્રીના મેળા દરમિયાન બનાસકાંઠાના જસરા ગામે આયોજિત હોર્સ-શોમાં ભાગ લીધો હતો. જેમાં પ્રાચી મોદીએ 20 કિમીની એન્ડ્યુરન્સ રેસ, મટકાફોડ અને ટેન્ટ પેગિંગ ઇવેન્ટમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. તો જયશ્રીબેન મોદી 20 કિમીની એન્ડ્યુરન્સ રેસમાં તૃતીય નંબરે રહ્યાં હતાં.
કરાઇની ક્રિષ્ના પરમાર આ રેસમાં દ્વિતીય આવી હતી. મહેસાણામાં ધોરણ-11 સાયન્સમાં ભણતી પ્રાચીએ નાની ઉંમરે ઘોડેસવારીમાં હાંસલ કરેલી કાબેલિયત બદલ ત્રણ એવોર્ડ ઉપરાંત, 4600 રૂપિયા રોકડ પુરસ્કાર પણ પ્રાપ્ત કર્યા હતા. અશ્વશક્તિને લુપ્ત થતી બચાવવા પ્રયાસરત અને હોર્સ- શોના આયોજક મહેશભાઇ દવેએ માતા-પુત્રીને ખાસ બિરદાવ્યાં હતાં. શંખલપુર ગામના પીએસઆઇ રમેશભાઇ ગોસ્વામીના પુત્ર નયન આર.ગોસ્વામીએ હોર્સ-શોમાં જમ્પીંગ અને મટકાફોડ ઇવેન્ટમાં પ્રથમ તેમજ ટેન્ટ પેગિંગમાં ત્રીજા નંબરે વિજેતા બની જિલ્લા પોલીસ અશ્વદળનું ગૌરવ વધાર્યું છે.