રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 સપ્ટેમ્બર 2017 (12:21 IST)

નર્મદા યોજનાની સાચી તાસીર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીએ ઉજાગર કરી

વિધાનસભાની ચૂંટણીને પગલે ગુજરાતમાં ભાજપે માં નર્મદા મહોત્સવની ઉજવણી શરૃ કરી છે. ગામેગામ નર્મદારથ ફરી રહ્યો છે. બીજી તરફ, આ જ ભાજપ સરકારે કોઇપણ મંજૂરી મેળવ્યા વિના બારોબાર ૧૮,૬૪૧ કિમી નર્મદા કેનાલ નટવર્ક ઘટાડી દીધુ છે. કેનાલ નેટવર્ક ઘટાડી ભાજપ સરકારે ખેડૂતો સાથે જ નહીં, ગુજરાતની જનતા સાથે છળકપટ આચર્યુ છે. ભાજપ સરકાર કયા મોંઢે નર્મદા ઉત્સવ ઉજવે છે તે સમજાતુ નથી. ભાજપે બે વર્ષમાં એવુ તો શું કર્યું કે, કરોડોના ખર્ચે નર્મદા યોજના બહાને તાયફા ઉજવવા પડે છે. ગુજરાતની જનતા એનો જવાબ જાણવા માંગે છે. પીયુસીએલના વડપણ હેઠળ યોજાયેલી પત્રકાર પરિષદમાં પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા અને અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહે ભાજપ સરકારનો ભાંડો ફોડતાં જણાવ્યું કે, ૧૭.૯૨ લાખ હેક્ટરમાં સિંચાઇ થાય તે રીતે આયોજન કરાયુ હતુ પણ આજે માત્ર ૨ લાખ હેક્ટરમાં જ સિંચાઇ થઇ રહી છે. ૨૦૧૩થી માંડીને ૨૦૧૫ સુધીમાં સિંચાઇ વિસ્તારમાં વધારો જ થયો નહીં. નરેન્દ્ર મોદી,આનંદીબેન પટેલ,રૃપાણી સરકાર નર્મદા યોજના સંદર્ભે નિષ્ફળ રહ્યા હતાં. સરકારના સત્તાવાર દસ્તાવેજ છે કે, ૨૦૧૮-૧૯માં સિંચાઇ વિસ્તાર વધીને ૩.૩૦ લાખ હેક્ટર થશે. આમ, નહેરોથી સિંચાઇ માત્ર ૧૮.૪૨ ટકામાં જ થશે. નર્મદા યોજના મંજૂર થઇ ત્યારે ૯૦,૩૮૯ કિમી કેનાલ નેટવર્ક મંજૂર કરાયુ હતું. આ જ ભાજપ સરકારે મનસ્વી રીતે કેનાલ નેટવર્ક ઘટાડી દીધુ હતુ. હવે સરકાર ૭૧,૭૪૮ કિમી કેનાલ નેટવર્ક દેખાડે છે. કુલ મળીને ૧૮,૬૪૧ કિમી કેનાલ જ ઘટાડી દેવાઇ છે. તેમણે જણાવ્યું કે, વર્ટિકલ ઇન્ટ્રીગેશન અભિગમને જોખમમાં મૂકી દેવાયુ છે. ૪૧,૩૧૧ કિમી નહેરોનું બાંધવાની બાકી છે તે બાંધતા જ ૧૧ વર્ષનો સમય લાગી શકે છે. ગુજરાત સરકાર દર વર્ષે ૯ હજાર કરોડ નર્મદા યોજના પાછળ ખર્ચે છે પણ પરિણામ નહિવત મળી રહ્યું છે. ૬ હજાર કરોડની આ યોજના પૂર્ણ થતાં એક લાખ કરોડની થશે. જે નહેરો બંધાઇ છે તે તકલાદી છે કેમ કે, અનેક સ્થળો ગાંબડા પડયા છે. બનાસકાંઠામાં આવેલા પૂરમાં આ વાત સાચી ઠરી છે. તેમણે એવો આક્ષેપ કર્યો કે, સરદાર સરોવર નિગમ રામભરોસ છે. કરોડોના હિસાબો મળતા નથી. ચાલુ વર્ષે ૫૦૨૭ કરોડનો ખર્ચ કરાયો જયારે નિગમે રૃા.૫૨૮ કરોડની ખોટ કરી છે. સ્વતંત્ર ઓડિટરનો અહેવાલ છે કે, નિગમ પાણીના દર વસૂલવા,જમીનની વિગતો,મિલ્કતો,દેવુ,સિલક,થાપણો,વ્યાજ,દલાલી સહિતની બાબતોમાં અસરકારક નિયંત્રણ જ નથી. છેલ્લા બે વર્ષમાં ભાજપ સરકારે રૃા.૧૮,૦૫૦ કરોડનો ખર્ચ કર્યો છતાંયે નહેરો બાંધી નથી. આમ, ગુજરાત સરકાર આરોપીના પિંજરામાં છે.પીયુસીએલ ઓડિટર જનરલને આ મુદ્દે પુઃન ઓડિટ કરવા રજૂઆત કરશે. નર્મદાની નહેરો બંધાઇ નથી તો, કરોડો રૃપિયા ખર્ચ કેમ વધી રહ્યો છે મુંબઇની તાતા ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સિસ દ્વારા વર્ષ ૨૦૧૨માં નર્મદા યોજનાના ખર્ચનો અંદાજ રૃા.૭૨ હજાર કરોડ મૂકાયો હતો.સવાલ એ છેકે, હજુય હજારો કિમી નહેરો બાંધવાની બાકી છે.તો પછી,આટલો કરોડો રૃપિયાનો ખર્ચ કેમ વધી રહ્યો છે. રાજ્ય સરકારે ૨૦૧૫-૧૬માં ૯ હજાર કરોડ, ૨૦૧૬-૧૭માં ૯૦૫૦ કરોડ,૨૦૧૭-૧૮માં ૯૦૦૦ કરોડ ફાળવ્યા હતાં. છતાંયે નહેરો બંધાઇ નથી. આનો અર્થ એકે, સરકારે ગુનાહિત બેદરકારી દાખવી છે તેવો પીયુસીએલના નેતાઓએ આક્ષેપ કર્યો છે. નર્મદા યોજના સિંચાઇ માટેની નહિં, ઉદ્યોગોને પાણી આપવાની યોજના બની નર્મદા યોજનાનો મૂળ હેતુ સિંચાઇનુ પાણી પુરૃ પાડવાનો હતો પણ આજે આ યોજના ઉદ્યોગોને પાણી પુરૃ પાડવાની યોજના હોય તેવુ ફલિત થઇ રહ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ એવો આક્ષેપ કર્યો કે, ગુજરાતના એકેય ઉદ્યોગે પાણી નથી મળતુ તેવી ફરિયાદ કરી છે ખરી. આયોજન પંચે નર્મદા યોજના વખતે કેટલીક શરતો મૂકી હતી કે,વર્ટિકલ ઇન્ટ્રીગેશન અભિગમ મુજબ ખંડવાર છેક અંતિમ ભાગ એટલે કે, ખેતરો સિંચાઇનું પાણી મળે તે માટે કેનાલો બનાવવી.પણ સરકાર આવુ કરવામાં નિષ્ફળ રહી છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપનો ભંડાફોડ કરાશે પીયુસીએલના નેતાઓએ એવી ચિમકી ઉચ્ચારી છેકે, માત્ર નર્મદા યોજનામાં આચરેલા ગોટાળા નહીં, દરેક વિભાગમાં ભાજપ સરકારે ગેરરીતી આચરી છે,ભ્રષ્ટાચાર આર્ચયો છે તે પુરાવા સાથે તબક્કાવાર પ્રજા સમક્ષ મૂકવામાં આવશે જેથી ભાજપનું જુઠ્ઠાણુ ગુજરાતની જનતા સક્ષમ ખુલ્લુ પડે. ભાજપ સરકારે જુઠ બોલીને જનતાને છેતરાવાનો માત્ર પ્રયાસ કર્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવી ગુજરાતના ખેડૂતોના નાણાં ચીનને પહોંચાડયાં ૨૦૧૯માં યોજનારી લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૃપે ભાજપ નર્મદા મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. પીયુસીએલના નેતાઓએ આરોપ મૂક્યો કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવી આ જ ભાજપ સરકારે ગુજરાતના ખેડૂતોના નાણાં ચીનને મોકલી આપ્યા છે. આ જ નેતાઓ ચીનની ચીજવસ્તુઓનો વિરોધ કરી રહ્યાં છે. નર્મદા નિગમમાંથી પણ રૃા.૧૦૦ કરોડ સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે તબદીલ કરાયા છે. કોઇપણ ભોગે સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવવા ભાજપ સરકારે તૈયારી કરી છે.