શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (20:06 IST)

ભારતીય ચુંટણીપંચ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી નિમિત્તે મતદારો માટે e-EPIC ની સુવિધા શરૂ

ભારત દેશની લોકશાહી વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. જ્યાં દેશના મતદારો સરકારોને ચૂંટે છે. સમગ્ર દેશમાં ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન ભારત દેશના બંધારણમાં થયેલ જોગવાઇ મુજબ ભારતનું ચૂંટણી પંચ કરે છે. ભારતના ચૂંટણી પંચની સ્થાપના ૨૫મી જાન્યુઆરી-૧૯૫૦ નાં રોજ કરવામાં આવી હતી. જેની યાદગીરી રૂપે ભારતના ચૂંટણી પંચ દ્વારા  વર્ષ-૨૦૧૧ થી દર વર્ષની ૨૫ મી જાન્યુઆરીએ મતદારોમાં તેમના અધિકારો, મતદાનનું મહત્વ, ચૂંટણી પ્રક્રિયાની જાગૃતિ માટે “રાષ્ટ્રીય મતદાતા દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે.
 
આગામી તા.૨૫ મી જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ રાષ્ટ્રીય કક્ષાથી લઇને મતદાન મથક કક્ષા સુધી તમામ કક્ષાએ ૧૧માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણી કાર્યક્રમમાં યુવા મતદારોને PVC મતદાર ઓળખકાર્ડ, બેજ આપી, ચૂંટણી-મતદારયાદી સુધારણા-મતદાર જાગૃતિ અન્વયે શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ/કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે તથા લોકશાહી પ્રત્યે પ્રતિબધ્ધતાના શપથ લેવામાં આવશે.
 
પ્રવર્તમાન ડિજીટલ યુગમાં મતદારો પોતાનું મતદાર ઓળખકાર્ડ ઓનલાઇન મેળવી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ તા.૨૫/૦૧/૨૦૨૧ થી મતદારો માટે e-EPIC ની સુવિધા શરૂ કરનાર છે. પ્રથમ તબક્કે તા.૨૫/૦૧/૨૦૨૧ થી તા.૩૧/૦૧/૨૦૨૧ દરમ્યાન ગત મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં જે ૧૮-૧૯ વર્ષના યુવા મતદારોએ મતદારયાદીમાં નામની પ્રથમવાર નોંધણી કરાવેલ હોય અને નોંધણી વખતે તેમનો મોબાઇલ નંબર આપેલ હોય તેઓને ભારતના ચૂંટણી પંચ તરફથી e-EPIC ડાઉનલોડ કરવા માટે મેસેજ મોકલવામાં આવશે. 
 
તે મેસેજમાં આવેલ લિંક પરથી મતદાર તેમનું e-EPIC ડાઉનલોડ કરી શકશે. આનાથી મતદાર તેમનું EPIC ડિજીટલ ફોર્મમાં તેમના મોબાઇલ, લેપટોપ, ડીજીલોકરમાં રાખી શકશે અને પ્રિન્ટ કાઢી લેમીનેટ કરાવી ફિઝિકલ ફોર્મમાં પણ રાખી શકશે. તા.૦૧/૦૨/૨૦૨૧ થી આ સુવિધા મતદારયાદીમાં નોંધાયેલ તમામ મતદારો કે જેઓના યુનિક મોબાઇલ નંબર મતદારયાદીના ડેટામાં ઉપલબ્ધ હશે, તેઓ માટે પણ શરૂ કરવામાં આવશે. e-EPIC Voter Helpline મોબાઇલ એપ, www.nvsp.in, અને www.voterportal.eci.gov.in પરથી પણ ડાઉનલોડ કરી શકાશે.
 
ભારતના ચૂંટણી પંચ દ્વારા પ્રવર્તમાન કોવિડ-૧૯ ની પેન્ડેમિક પરિસ્થિતિને ધ્યાને લઇ ચૂંટણીમાં ઉમેદવારો તથા મતદારો માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી તે મુજબ ચૂંટણીઓનું આયોજન કરી મુક્ત, ન્યાયી અને સમયબધ્ધ ચૂંટણીઓ યોજવા કટિબધ્ધ છે.
 
ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં તથા મતદારયાદી બાબતે વધુમાં વધુ ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. જેથી (૧) ચૂંટણી ન હોય તેવા સમયમાં મતદારયાદીમાં નામ ચકાસવા, દાખલ કરવા કે કમી કરવા માટે www.voterportal.eci.gov.in, Voter Helpline મોબાઇલ એપ તથા મતદારયાદી બાબતે ફરિયાદ નિવારણ માટે NGRSP પોર્ટલ શરૂ કર્યું છે, (૨) ચૂંટણીના સમયગાળામાં આચાર સંહિતા ભંગની ફરિયાદ બાબતે cVIGIL મોબાઇલ એપ્લિકેશન, ચૂંટણી અધિકારીઓ માટે SUVIDHA અપ્લિકેશન, ઉમેદવારો માટે ENCOR, સેવા મતદારો માટે ETPBS, ટ્રેન્ડ જાણવા માટે Voter Turnout મોબાઇલ એપ, પરિણામ જાણવા માટે ભારતના ચૂંટણી પંચની વેબસાઇટ (www.eci.gov.in) પર અલગથી જોવા મળી શકે છે. આ ઉપરાંત ચૂંટણી તથા મતદારયાદી તૈયાર કરવાની સમગ્ર કામગીરી ERONET, ઇવીએમને લગતી કામગીરી EMS તથા સેવા મતદારોને લગતી કામગીરી Service Voter’s Portal પર કરવામાં આવે છે.
 
તાજેતરમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૧ દરમ્યાન સુરત જિલ્લામાં ૧,૨૪,૫૪૫-નવા મતદારો નોંધાયેલા છે, જે પૈકી ૭૮,૭૪૯-મતદારો ૧૮-૧૯ વર્ષના યુવા મતદારો છે. એકંદરે સુરત જિલ્લામાં ૧૬-વિધાનસભા મતદાર વિભાગોમાં ૨૪,૪૬,૦૩૮-પુરૂષ, ૨૦,૮૩,૯૩૯-સ્ત્રી અને ૧૨૭-ત્રીજી જાતિના મતદારો મળી કુલ-૪૫,૩૦,૧૦૪ મતદારોની નોંધણી થઈ છે.