શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 21 ઑક્ટોબર 2020 (12:30 IST)

ભરૂચ ખાતે નવી મેડીકલ કોલેજ શરૂ કરાશે :કેન્દ્ર સરકારે આપી મંજુરી

રાજયમાં પ્રજાજનોને આરોગ્ય સવલતોનો વ્યાપ વધે તેમજ ઘર આંગણે તબીબી શિક્ષણની સુવિધા ઉપલબ્ધી થાય તે માટે રાજયના આરોગ્ય વિભાગની સફળ કામગીરીના કારણે રાજ્યમાં તબીબી શિક્ષણ આપતી કોલેજોમાં મોટા પ્રમાણમાં વધારો થાય તેવા અનેકવિધ પગલા લીધા હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.
 
બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજ સ્થાપવા અંગેની રાજ્ય સરકારની નીતિ અન્વયે કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય મેડીકલ કમિશન દ્વારા ગુજરાતના ભરૂચમાં આવેલી ડૉ. કિરણ સી. પટેલ મેડીકલ કોલેજ અને રીસર્સ ઇન્સ્ટીટ્યુટે ભરૂચ ખાતે મેડીકલ કોલેજ સ્થાપવા માટે રાજ્ય સરકાર દ્વારા દરખાસ્ત કરી હતી. જે અન્વયે ભરૂચ ખાતે નવી મેડીકલ કોલેજ સ્થાપવા માટે કેન્દ્ર સરકારે ૧૫૦ બેઠકો સાથે મંજુરી આપી છે. 
 
નાયબ મુખ્યમંત્રી પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યુ હતું કે, ભરૂચની હયાત સિવિલ હોસ્પિટલનું અપગ્રેડેશન કરીને ખૂટતા સાધનો તથા મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબની સગવડો ઉપલબ્ધ કરાવીને પ્રથમ તબક્કે ૩૦૦ પથારીની સુવિધા ઉપલબ્ધ બનશે. જેનો લાભ ભરૂચ જિલ્લાના તથા અન્ય દર્દીઓને મળશે.    
 
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યુ કે, હાલ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૩૪  મેડીકલ કોલેજો કાર્યરત છે. ભરૂચ ખાતે આ નવી મેડીકલ કોલેજના નિર્માણ થકી ૧૫૦ બેઠકો ઉમેરાતાં હવે રાજ્યમાં ૬૧૫૦ જેટલી તબીબી શિક્ષણ માટેની બેઠકો ઉપલબ્ધ બનશે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્યના નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે ૧૦૦ બેઠકો સાથેની નવી કોલેજને મંજૂરી મળેલ છે ત્યારે રાજપીપળાની નજીકના ભરૂચ જિલ્લામાં વધુ ૧૫૦ બેઠકોની નવી મેડીકલ કોલેજ મળતાં આસપાસના વિસ્તારના અને ખાસ કરીને આદિવાસી સમાજના નાગરિકોને વધુ સારી આરોગ્ય વિષયક સેવાઓ ઝડપથી મળી શકશે