ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 20 ડિસેમ્બર 2022 (14:45 IST)

સુરતમાં કેબલ બ્રીજ પાસે મળ્યુ ત્યજી દીધેલુ નવજાત બાળક

સુરતના અડાજણ સ્થિત કેબલબ્રિજ પર બે માસનું બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું. રાહદારીની નજર બાળક પર પડતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે આવી બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યું છે, તો બીજી તરફ આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એમાં બાળકને તરછોડનાર માતા-પિતા કેબલબ્રિજ પરથી પસાર થતાં હોય એવાં દૃશ્યો CCTVમાં કેદ થયાં છે, સાથે જ પોલીસની શી ટીમ નવજાતનું ધ્યાન રાખી રહી છે.સુરતના મગદલ્લામાં નવજાતને બિલ્ડિંગ પરથી ફેંકી દેવાની ઘટના સમી નથી, ત્યાં વધુ એક બાળકને ત્યજી દેવાની ઘટના સુરત શહેરમાં સામે આવી છે.

સુરતના અડાજણ અને પાર્લે પોઈન્ટને જોડતા કેબલબ્રિજ પર એક બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું. અહીંથી રાહદારીઓ પસાર થતા લોકોની નજર ફૂલ જેવા માસૂમ બાળક પર પડી હતી. લોકોએ તાત્કાલિક બનાવની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યું છે, જ્યાં બાળકની સારવાર ચાલી રહી છે.નવજાત બાળકને આ રીતે મૂકીને જતાં રહેલાં માતા-પિતાને શોધવાનું શરૂ કરાયું છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી તપાસવાનું શરૂ કરાયું છે, જેના આધારે નવજાત બાળકને કોણ અને ક્યારે મૂકી ગયું છે એની માહિતી મળી શકે. ઉલ્લેખનીય છે કે બે માસના ફૂલ જેવા માસૂમ બાળકને ત્યજી દેવાની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી હતી. માસૂમ બાળકને ત્યજી દેનારા સામે લોકોએ રોષ વરસાવ્યો હતો. આ સમગ્ર મામલે અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.કંટ્રોલ રૂમમાં ફોન આવ્યા બાદ બાળકને સિવિલ હોસ્પિટલમાં સી ટીમ દ્વારા લઈ જવામાં આવ્યું છે. શી ટીમની સભ્ય મમતા મકવાણા નવજાત બાળકનું ધ્યાન રાખી રહી છે. બાળકની તબિયત તંદુરસ્ત છે. હાલ તેને એન. આઈ. સી. યુમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યું છે. શી ટીમ હાલ બાળકને માતાની જેમ સાચવી રહી છે. બાળકને દર બે કલાકે દૂધ આપવામાં આવી રહ્યું છે. એક તરફ પોલીસ માતા-પિતાને શોધવા માટેનો પ્રયાસ કરી રહી છે. ત્યારે બીજી તરફ શી ટીમ બાળકને હાલ દેખરેખ રાખી તેના સ્વાસ્થ્યની કાળજી લઈ રહી છે.