શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 ઑગસ્ટ 2019 (12:59 IST)

શાળાએ શિક્ષક ટ્યૂશન કરતા નથી એવું એફિડેવીટ આપવું પડશે

મહેસાણા જિલ્લામાં તમામ ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને તેમના શિક્ષક પાસે શાળામાં કે શાળા બહાર ટ્યૂશન કે કોચિંગ ચલાવતા નથી તેવી સ્ટેમ્પ પેપર પર બાંહેધરી મેળવવા જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ કર્યો છે. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના શિક્ષકો પણ ટ્યૂશન ચલાવી શકે નહીં. અગાઉ પણ પરિપત્ર થયા છે પણ અમલવારી કોરાણે રહી છે. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, એકાઉન્ટ સહિતના વિષય શિક્ષકો પૈકી ઘણા શિક્ષકો સરકારી શાળાના વિદ્યાર્થીઓના ટ્યૂશન લઇ ધીકતી કમાણી કરી રહ્યા છે. 
શાળા બહાર તો ખરા પણ કેટલીક શાળા સંસ્થાની અંદર શાળા સમય પહેલાં કે પછી કોચિંગ વર્ગો ધમધમી રહ્યાનું સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. જિલ્લામાં શિક્ષકો ટ્યૂશન કરતા હોવાની 10થી વધુ અરજી અગાઉ થયેલી છે, પણ તપાસમાં નીલ રિપોર્ટ કરાયા છે. હવે વધુ એક પરિપત્રમાં શિક્ષક શાળામાં કે શાળા બહાર ટ્યૂશન જેવી પ્રવૃત્તિ ન કરે તેની જવાબદારી આચાર્ય તેમજ શાળા સંચાલક મંડળની હોઇ જોગવાઇનો ભંગ કરનાર શિક્ષકો સામે સંચાલક મંડળે કાર્યવાહી કરવાની રહેશે. 
જ્યારે શિક્ષક ટ્યૂશન કરે છે તેવી જાણ છતાં પગલા ન ભરનાર શાળાની ગ્રાન્ટકાપ સહિત પગલાં ભરવામાં આવશે તેમ જણાવાયું છે. ટ્યૂશન, કોચિંગ રજીસ્ટર નિયમિત રીતે શિક્ષકો પાસે પ્રતિ માસ આચાર્યએ ભરાવાનું રહેશે. શિક્ષણ વિભાગની ટીમ આકસ્મિક આ રજીસ્ટરનું ચેકિંગ કરી શકે છે. વાલીઓ વિદ્યાર્થીઓને એકસ્ટ્રા કોચિંગ થકી વધુ પરિણામની દોટમાં ટ્યૂશન મૂકી રહ્યા છે. તો બીજી તરફ શાળાનું પરિણામ ઉંચુ આવે તેવી અપેક્ષાએ ટ્યૂશન પ્રવૃતિ સામે સંચાલકો આંખ ખાડા કાન કરી રહ્યા છે.