ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 માર્ચ 2017 (13:22 IST)

શું ગૂંડાઓથી પોલીસ ફફડે છે? ભાજપના ધારાસભ્યનો બળાપો ગુંડાઓને પોલીસનો ડર નથી, ધારાસભ્ય કિશોર કાનાણીએ ગૃહમંત્રીને પત્ર લખ્યો

તાજેતરમાં જ દાહોદ જિલ્લામાં બે સગી બહેનો પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. ઉપરાંત રાજ્યભરમાં અનેક સ્થળોએ ખૂન, લૂંટ, બળાત્કારની ઘટનાઓ સતત વધી રહી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી હોય તેવો માહોલ ઊભો થયો છે. આવી સ્થિતિમાં સુરતનાં ભાજપનાં જ ધારાસભ્ય કિશોર કાનાણી (કુમાર)એ ગૃહરાજ્યમંત્રીને લેખીતમાં રજૂઆત કરી બળાપો ઠાલવ્યો છે કે ગુંડાઓ, અસામાજીક તત્વોને હવે જાણે પોલીસનો કોઇ ડર રહ્યો નથી.

ખુદ સત્તાધારી પક્ષના જ કોઇ ધારાસભ્ય દ્વારા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રશ્ન ઊઠાવવામાં આવે તો ઘણી ગંભીર બાબત છે. ગૃહમંત્રીને મોકલાવેલા પત્રમાં તેઓએ જણાવ્યું છે કે, મારી વરાછા રોડ વિધાનસભામાં આવતાં વિવિધ વિસ્તારો તેમજ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આવતાં તમામ હદ વિસ્તારોમાં અસામાજીક તત્વોને પોલીસનો ડર બિલકુલ રહ્યો ન હોય તેમ જાહેરમાં મારામારી, લૂંટ, તોડફોડ અને મહિલાઓની છેડતી કરે છે.

ગુંડાઓની આવી હરકતોને કારણે લોકોમાં પોલીસની કામગીરી ઉપરથી સંપૂર્ણ વિશ્વાસ ઊઠી ગયો હોય તેવું વાતાવરણ ઊભું થયું છે. આવી અનેક ફરીયાદો મને અવારનવાર આ વિસ્તારમાં લોકો પાસેથી મળે છે. વાસ્તવિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાથી હું લોકોને સંતોષકારક જવાબ આપી શકતો નથી. ભાજપના ધારાસભ્ય કાનાણીએ પત્રના અંતમાં લખ્યું છે કે, પોલીસની કામગીરી પરથી ઊઠી ગયેલા વિશ્વાસને પુનઃ સંપાદીત કરવા માટે રાજકોટ પોલીસ દ્વારા જે રીતે ગુંડાઓને નાબુદ કરવા જાહેરમાં ધોલાઇ કરી, મુરઘા બનાવી કે મુંડન કરવામાં આવે છે તેવી જ કામગીરી કાપોદ્રા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કરવામાં આવે. તા. ૧૨ માર્ચના રોજ મેં મારી વિધાનસભા વિસ્તારમાં આવતી સોસાયટીનાં પ્રમુખો સાથે એ ડિવિઝનનાં એસીપી હિમાંશુ સોલંકીને પણ આ બાબતની લેખિતમાં રજૂઆત કરી છે. જેની નકલ સુરત પોલીસ કમિશનરને મોકલી હતી