ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 25 એપ્રિલ 2017 (15:23 IST)

ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ અંગેનો અહેવાલ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને સુપરત કરાયો

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની આગામી પહેલીની ગુજરાત મુલાકાત બાદ પ્રદેશ સંગઠનમાં ધરમૂળથી ફેરફાર આવશે. કોંગ્રેસ ઉપાધ્યક્ષે ગુજરાતના કોંગ્રેસની સ્થિતિની સમીક્ષા માટેની ટીમ સરવે કરીને દિલ્હી પરત ફરી ગઈ છે અને આગામી દિવસોમાં ડિટેઈલ અહેવાલ તૈયાર કરીને રાહુલ ગાંધીને સુપરત કર્યો છે. આ અહેવાલમાં પ્રદેશના ડઝનબંધ આગેવાનોને કદ પ્રમાણે વેતરી નાખવાની ભલામણ કરવામાં આવી છે. જેના પગલે પ્રદેશના નવા સંગઠનમાં આક્રમક-ઉત્સાહી નવયુવાનોને મહત્વની જવાબદારી સોંપવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે, પરંતુ તેની સત્તાવાર જાહેરાત પહેલી મે પછી કરવામાં આવશે.

પ્રદેશ સમિતિ ખાતે ૨૬મીએ બૂથ મજબૂતીકરણ માટે બેઠક બોલાવવામાં આવી છે. ગુજરાતના સ્થાપના દિન-૧લી મેએ કોંગ્રેસ દ્વારા નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આદિવાસી અધિકાર સંમેલનને સંબોધન કરવા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવી રહ્યા છે. આ સંમેલન બાદ સંગઠનના માળખામાં ધરખમ ફેરફારો આવશે એમ જણાવતા કોંગ્રેસના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે, વિધાનસભાની આગામી ચૂંટણીમાં હાઈકમાન્ડ કોઈ જોખમ લેવા માગતું નથી. ગુજરાતની ચૂંટણીને રાહુલ ગાંધી અત્યંત ગંભીરતાથી લઈ રહ્યા છે અને ગુજરાતના સંગઠનમાં પ્રાણ ફૂંકવા માટે તેમણે આક્રમક-સ્વચ્છ પ્રતિભા ધરાવતા નવયુવાનોને ચાવીરૂપ જવાબદારી સોંપવામાં આવે તેવો આદેશ કર્યો છે. સૂત્રો કહે છે કે, રાહુલ ગાંધીનો મૂડ જોતાં પ્રદેશના સંગઠનમાં વર્ષોથી ચીટકી રહેલાં અનેક ચહેરાઓના હોદ્દા આંચકી લેવામાં આવશે.