શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 6 મે 2017 (11:54 IST)

કચ્છમાં માતાએ ત્યજેલી દુર્ગાને અમેરિકન પોપસિંગરે જીવતદાન આપ્યું

અંજારમાં જનનીએ જન્મતાની સાથે જ જે બાળકીને ઉકરડામાં મરવા માટે ત્યજી દીધી હતી અને જીવજંતુઓએ તેના નાકને કરડી ખાતાં ચહેરો બેડોળ બની ગયો હતો. જેના પર કુદરત મોડેથી એટલે કે બે વર્ષ બાદ એવી મહેરબાન થઈ છે કે, આજે તેનો ચહેરો માત્ર સુંદર જ નથી, પરંતુ અમેરિકન મીડિયામાં છેલ્લા થોડા દિવસોથી છવાયેલો જોવા મળી રહ્યો છે. વાત છે અંજારમાં ત્યજી દેવાયેલી અને જીવજંતુઓએ નાક કરડી ખાતાં બેડોળ બની ગયેલી દુર્ગા નામની બાળકીની. અંજારમાં જન્મતાની સાથે જ દુર્ગાને તેની માતાએ ઉકરડામાં ફેંકી દીધી હતી. સમયસર કોઈનું દુર્ગા પર ધ્યાન પડતાં પોલીસને જાણ કરી અને તેને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલે પહોંચવાથી તેનો જીવ તો બચી ગયો હતો પણ તે પહેલાં ઉકરડામાં જીવજંતુઓએ દુર્ગાના નાકને કરડી ખાતાં માસૂમ ફૂલનો ચહેરો બેડોળ બની ગયો હતો. જે તે સમયે પોલીસે તેને ભુજના મહિલા કલ્યાણ કેન્દ્રને સોંપી હતી. મહિલા કલ્યાણ કેન્દ્રમાં પણ બાળકને દત્તક લેવા આવતા દંપતી દુર્ગાના બેડોળ ચહેરાને જોઈને તેને દત્તક લેવાથી દૂર ભાગતા હતા,  દુર્ગાને બે વર્ષ પૂર્વે અમેરિકાની પોપ સિંગર  ક્રિષ્ટન વિલિયમ્સે દત્તક લઈને પોતાની સાથે અમેરિકા લઈ ગઈ હતી. ક્રિસ્ટીને દુર્ગા અને ભારતમાંથી અન્ય એક મુન્ની નામની યુવતીને પણ દત્તક લઈને અમેરિકામાં બન્ને દીકરીઓને સુંદર બનાવવા નિષ્ણાત તબીબો પાસે સારવાર શરૃ કરાવી હતી. પ્લાસ્ટિક સર્જરીનાં નિષ્ણાતોની સારવારના પરિણામ સ્વરૃપ હાલ દુર્ગા અને મુન્નીના ચહેરાની સુંદરતા ફરીથી ખીલી ઉઠી છે. તબીબી સાયન્સમાં પણ પડકારરૃપ આ કિસ્સામાં ક્રિસ્ટનની લગન અને તબીબોની મહેનત ઉપરાંત દુર્ગા-મુન્નીના કિસ્મતે જે ચમત્કાર સર્જયો છે, તેને લઈને અમેરિકાની વિવિધ ન્યૂઝ અને ટોક ચેનલો પર ક્રિસ્ટન અને દુર્ગા-મુન્ની રોજબરોજ ચમકી રહી છે. તો બીજીતરફે, કચ્છ અને તેનો ઉછેર કરનારી સંસ્થાઓ મોભીઓ પણ દુર્ગાનાં ચમકેલા કિસ્મતને ભગવાનનો ચમત્કાર માનીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે.