ગાંધીનગરના મુસ્લિમ સમાજે રાહુલ ગાંધીને પૂરતું પ્રતિનિધિત્વ આપવાની રજૂઆત કરી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કોર કમિટીની દિલ્હી ખાતે મળેલી બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સમક્ષ મુસ્લિમ સમાજને સંગઠન અને ઉમેદવારીમાં પૂરતું પ્રતિનિધિત્વ આપવાની રજૂઆત કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજના આગેવાનોએ સરપંચથી લઇને સંસદ સુધી યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની માગ કરી હતી. અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખના જણાવ્યા પ્રમાણે દિલ્હી ખાતે શનિવારે કોર કમિટીની મળેલી બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાન કદીર પીરઝાદાએ રાહુલ ગાંધીને રૂબરૂ મળીને એવી રજૂઆત કરી હતી કે ગુજરાતમાં મુસ્લિમ સમાજ 65 લાખની વસ્તી ધરાવે છે.આગામી વિધાનસભામાં શિક્ષિત સમાજને સર્વસ્વીકૃત હોય તેવા મુસ્લિમ ઉમેદવારોને પણ યોગ્ય સંખ્યામાં ટિકિટ આપવાની માગ કરી હતી. તેમણે ઉપાધ્યક્ષ ગાંધીને કોંગ્રેસ પક્ષના સંગઠનમાં જિલ્લા કક્ષાએથી લઇને તાલુકા અને ગ્રામકક્ષા સુધી મુસ્લિમ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવે. ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને સુરક્ષા, રોજગારી, આરોગ્યલક્ષી સેવાઓમાં મુસ્લિમોને ધ્યાનમાં રાખવાની રજૂઆત કરી હતી.