બુધવાર, 15 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 મે 2017 (12:03 IST)

ગુજરાતમાં 12 % - સૌરાષ્ટ્રમાં 18 % વરસાદ ‘ઓછો’ થવાની હવામાનશાસ્ત્રીઓએ શક્યતા વ્યક્ત કરી

અખાત્રીજ બાદ ખેડૂતોએ ખેતરમાં ખેતી કાર્યોના શ્રીગણેશ કરી દીધા છે. ઉનાળુ પાકની લણણી કરી બજારમાં પહોંચાડવા સાથે ખરીફપાક માટે ખેતર ખેડીને વાવણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ વર્ષે ચોમાસુ નબળુ રહેવાનો હવામાન વિભાગ દ્વારા સંકેત આપવામાં આવ્યા છે. એક્સટેન્ડેડ લોંગ રેન્જ ફોરકાસ્ટ હેઠળ ગુજરાતમાં 12 ટકા અને સૌરાષ્ટ્રમાં 18 ટકા વરસાદ ઓછો થવાની હવામાનશાસ્ત્રીની આગાહી છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાનશાસ્ત્રી ડો.વ્યાસપાંડેએ જણાવ્યું હતું કે “ચોમાસાના જૂન, જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન સરેરાશ ગુજરાતમાં 874 મિમી અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 523 મિમી વરસાદ થાય છે. ચોમાસામાં વરસાદની જુદા જુદા મોડેલ હેઠળ આગાહી કરવામાં આવે છે. એક્સટેન્ડેડ લોંગ રેન્જ ફોરકાસ્ટ હેઠળ ગુજરાતમાં 12 ટકા અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 18 ટકા વરસાદ ઓછો થવાની આગાહી કરવામાં આવી છે. વિશ્વકક્ષાએ અલનીનોથી ચોમાસાને પ્રભાવિત કરે છે.’ ભારતમાં પણ 4 ટકા વરસાદ ઓછો થવાની શક્યતા છે. ત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ચોમાસુ નબળુ રહી શકે છે. હવામાનશાસ્ત્રી ડો.વ્યાસપાંડેએ જણાવ્યું હતું કે “મે મહિનામાં સરેરાશ કરતાં વધુ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેમાં મે મહિનામાં સરેરાશ ગુજરાતમાં 4.8 મિમી અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 6 મિમી વરસાદ થાય છે. જેની સામે ગુજરાતમાં 7 મિમી અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 9 મિમી એટલે સરેરાશ કરતાં વધુ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.