ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 મે 2017 (13:03 IST)

નારાજ ખેડૂતો કૃષિમેળામાં નહીં ફરકતાં ભાજપ સરકાર અત્યંત ચિંતિત

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે જ કૃષિમેળા સાવ નિરસ રહ્યાં છે. સરકારથી નારાજ ખેડૂતો કૃષિમેળામાં ફરકતાં જ નથી પરિણામે ભાજપ સરકાર ચિતિંત બની છે. સતત બીજા વર્ષે કૃષિ મેળાને પ્રતિસાદ સાંપડયો નથી. ગત વર્ષની જેમ આ વર્ષે પણ કૃષિમેળાનો વિરોધ થઇ રહ્યો છે. ગત વખતે તો અનામત આંદોલનને કારણે પાટીદારોએ વિરોધ કર્યો હતો. આ વખતે ખેડૂતો સરકારથી ભારોભાર નારાજ છે પરિણામે કૃષિમેળામાં મંડપ સુના પડયાં છે. ખુરશીઓ ખાલીખમ રહે છે. હિંમતનગરમાં કૃષિમંત્રી ચિમન સાપરિયાની કારને લોકોએ ઘેરો ઘાલ્યો હતો .

એટલું જ નહીં, વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ કહેવુ પડયું હતું કે, સરકારે ઘણાં કામો કર્યાં છે, તાળીઓ તો પાડો. આમ છતાંયે લોકોએ તાળીઓ પાડી ન હતી . અમરેલીમાં પણ કૃષિમેળાનો વિરોધ થયો હતો. પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી. વિજળીથી માંડીને અનેક પ્રશ્નોથી પિડિત ખેડૂતો હવે સરકારથી મોં ફેરવીને બેઠાં છે. કિસાન સંઘ પણ સરકારને સાથ આપવા રાજી નથી જેથી કૃષિ મેળાનો ફિયાસ્કો થયો છે. કૃષિમેળાને સફળ બનાવવા મંત્રી-ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી હોવા છતાંયે આ સરકારી કાર્યક્રમ સદંતર ફ્લોપ રહ્યો છે. મતદારો મંત્રી-ધારાસભ્યને કહેણને પણ અવગણી રહ્યાં છે. આમ, ભાજપની ચિંતામાં વધારો થયો છે એટલે અંદરખાને ખેડૂત આગેવાનોને મનાવવા પણ પ્રયાસો થઇ રહ્યાં છે.