મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 7 જૂન 2017 (14:53 IST)

9 જૂનના કોંગ્રેસના મિલન સમારંભની પત્રિકામાંથી શંકરસિંહનું નામ ગાયબ હોવાની ચર્ચાઓ

આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના તમામ 57 ધારાસભ્યો રિપીટ થશે અને તેમને ટિકિટ મળશે તેવી જાહેરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કરી હતી.  ત્યારે આજે ભરત સિંહ સોલંકી કૉંગ્રેસમાં ડેમેજ કંટ્રોલ કરવાના ભાગરૂપે શંકરસિંહ વાઘેલાને ગાંધીનગર તેમના નિવાસસ્થાન વસંગ વગડે મળવા પહોંચ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં ભરત સિંહ અને બાપુ વચ્ચે કૉંગ્રેસના મિલન સમારંભ અને બાપુની નારાજગી અંગે ચર્ચા થઇ હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 9મી જૂનના રોજ કૉંગ્રેસનો મિલન સમારોહ યોજાવાનો છે. તેની પત્રિકામાં બાપુનું નામ નથી તેવી જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. આ સમારોહમાં પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત પર હાજર રહેવાના છે. પરંતુ શંકરસિંહ વાઘેલા હાજર નહીં રહે તેવી ચર્ચા છે. કહેવાય છે કે બાપુ પ્રદેશની નેતાગીરીથી હજુ પણ નારાજ છે. પ્રમુખ સોલંકીએ જણાવ્યું કે, કોંગ્રેસની ચૂંટણી સમિતિ અને પ્રદેશ સંગઠનમાં વિસ્તરણ ની ટૂંકમાં જાહેરાત કરાશે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સોમવાર અને મંગળવાર એમ બે દિવસ દિલ્હી ગયા હતા. તેમની મુલાકાત દરમિયાન પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અને ચાર સહપ્રભારી વચ્ચે પણ બેઠક યોજાઇ હતી. પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદ પટેલને પણ મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને વિગતવાર ચર્ચા થઇ હતી. દરેક જિલ્લા અને બેઠક પ્રમાણે સંગઠન, બુથ, સમીકરણો સહિતની ચર્ચા થઇ હતી. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ એવો દાવો કર્યો હતો કે મોવડીમંડળ સાથે આગામી વિધાનસભાની ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતી મેળવવા માટે ચર્ચા થઇ છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના 57 ધારાસભ્યો જીતી શકે તેવા હોવાથી તેમને રિપીટ કરવાનું મોવડીમંડળે નક્કી કર્યું છે. આ 57 ધારાસભ્યો તેમની બેઠક જીતશે એટલે કોંગ્રેસને સરકાર બનાવવા માટે 65 બેઠકોની જરૂર પડે તેમ છે. કોંગ્રેસ એકાદ અઠવાડિયામાં પ્રદેશ માળખાનું વિસ્તરણ અને ફેરફારની જાહેરાત કરશે. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી સમિતિની જાહેરાત પણ કરાશે. આ મીટિંગમાં જ 57 ધારાસભ્યોને રિપીટ કરવાનું નક્કી થયું હતું. હાઇકમાન્ડે કોંગ્રેસના વર્તમાન 57 ધારાસભ્યોની ટિકિટ પર મહોર મારી દીધી છે.