કેતન પટેલના બીજા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મળ્યા 56 ઇજાના નિશાન, શંકરસિંહ તેના પિતાને મળ્યાં
પાટીદાર યુવાન કેતન પટેલના અપમૃત્યુ કેસમાં પોલીસ દ્વારા જવાબદાર પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ પગલા ભરવામાં ન આવતા મૃતકના પરીવારજનો અને પાટીદાર આગેવાનોમાં વિરોધ સતત વધી રહ્યો છે. પાટીદાર આગેવાનોએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ 302 હેઠળ હત્યાનો ગુનો નોંધવાની માગ કરી રહ્યા છે. તેમજ તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ પગલા ભરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કેતનના મૃતદેહને સ્વિકારશે નહીં. તેમજ તેઓ એ શરતે જ FIR નોંધાવવા તૈયાર છે કે ત્યારબાદ તુરંત જ જવાબદારો સામે પગલા ભરવામાં આવે. તેની બીજી બાર થયેલા પીએમમાં 56 ઈજાના નિશાનો મળ્યાં હોવાનું પણ જાણવા મળ્યું છે. આ બાબતે હજી સુધી કોઈ કાર્યવાહી ના થતાં રાજકારણમા પણ ગરમી પ્રસરી રહી છે.
પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા વચ્ચે રાજકીય શીતયુધ્ધ બરોબર જામ્યું છે. આ કારણોસર શનિવારે પ્રદેશ પ્રભારી,પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સાથે જવાને બદલે શંકરસિંહ વાઘેલા એકલા જ મહેસાણા પહોંચ્યા હતાં અને સિવિલમાં મૃતક પાટીદારના પરિવારજનોને મળ્યા હતાં . મહેસાણામાં ક્સ્ટોડિયલ ડેથ પ્રકરણમાં કોંગ્રેસના પ્રતિનિધીમંડળે રાજ્યપાલ ઓ.પી.કોહલીને મળીને સીબીઆઇ તપાસની માંગ કરી હતી. પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતની આગેવાની હેઠળના પ્રતિનિધીમંડળમાં શંકરસિંહ વાઘેલા પણ રાજ્યપાલને મળ્યા હતાં. જોકે, રાજ્યપાલને જે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું તેમાં અશોક ગેહલોત, ભરતસિંહ સોલંકી, અર્જૂન મોઢવાડિયા અને સિધ્ધાર્થ પટેલના નામો લખાયાં હતાં જયારે શંકરસિંહ વાઘેલાએ કહ્યું હોવા છતાંયે આવેદનપત્રમાં તેમના નામની રીતસરની બાદબાકી કરાઇ હતી. બાપુએ આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી. રાજ્યપાલને આવેદનપત્ર સુપરત કરીને પ્રભારી ગેહલોત, ભરતસિંહ સોલંકી, સહપ્રભારી વર્ષા ગાયકવાડ સહિતના નેતા બાપુના નિવાસસ્થાને પહોંચ્યા હતાં જયાં બાપુને મનાવવા મથામણ કરી હતી . શંકરસિંહ વાઘેલાએ પણ પ્રદેશની નેતાગીરીના કાવાદાવા વિશે ઉભરો ઠાલવ્યો હતો. આ વાત કરીને તેઓ એકલા જ મહેસાણા પહોંચ્યા હતાં .આમ, કોંગ્રેસમાં બંન્ને પ્રદેશના નેતાઓ વચ્ચે ઘમાસાણ જામ્યું છે .