વરસાદ બાદ વકરતો રોગચાળો, રાજકોટમાં Swine Flu થી 36 કલાકમાં ચારના મોત
સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદથી ભારે નુકસાન થયું છે તો બીજી બાજુ વરસાદ ધીમો થતાં રોગચાળાનો ઉપદ્વવ પણ વધવા માંડ્યો છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુની માહિતી બાદ રાજકોટમાં તેના ગંભીર પરિણામો જોવા મળ્યાં છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂ દિવસેને દિવસે વકરતો જાય છે. સ્વાઈન ફ્લુને લીધે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 36 કલાકમાં ચારના મોત થતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. 2017ના વર્ષમાં સ્વાઇન ફ્લૂથી થયેલા મોતનો આંકડો 31 સુધી પહોંચ્યો છે.
જૂનાગઢમાં જોષીપુરામાં રહેતી ક્રિષ્ના નામની બાળકીને રાજકોટની સિવિલના સ્વાઇન ફ્લૂ વોર્ડમાં દાખલ કરાઇ હતી. રિપોર્ટ પોઝિટિવ આવતા સઘન સારવાર શરૂ કરાઇ હતી પરંતુ 4 દિવસના અંતે બાળકીએ દમ તોડી દીધો હતો. હજી 4 દર્દી પૈકી 3 દર્દીના રિપોર્ટ પોઝિટિવ છે. આ ઉપરાંત દિવના એક વૃધ્ધા, ચોટીલાના પ્રૌઢા અને જામનગરના પ્રૌઢાનું સ્વાઇન ફ્લૂથી મોત નીપજ્યું હતું.