વડોદરામાં લેન્ડ જેહાદ,વડાપ્રધાનને 100 ફરિયાદો મોકલાઈ
વડોદરા શહેરના વાસણા રોડ પર આવેલી સમર્પણ સોસાયટીની અનેક મિલકતો વિધર્મીઓને વેચાણ થતા આ સોસાયટીના રહિશો ચોંકી ઉઠયા છે. આ સોસાયટીના સુખી તેમજ સમૃધ્ધ પરિવારના સભ્યો મૌન રેલી સ્વરૃપે લેન્ડ જેહાદ સ્વરૃપે થતી પ્રોપર્ટીની તબદીલી સામે કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. આ રહિશોએ અન્ય વિસ્તારોમાં પણ થતી લેન્ડ જેહાદની પ્રવૃત્તિ સામે રોષ વ્યક્ત કર્યો હતો. સમર્પણ સોસાયટીના રહિશો દ્વારા ગુરુવારે રેલી કાઢીને કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયુ હતુ કે શહેર તેમજ જિલ્લામાં હિન્દુ વિસ્તારોમાં વિધર્મી દ્વારા મકાન-મિલકતો સસ્તા ભાવે પડાવી લેવા માટે લેન્ડ જેહાદ સ્વરૃપે વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યુ છે. રહિશોએ આક્ષેપ કર્યો હતો કે ડભોઇ, કરજણ, પાદરા, સાવલી, વાઘોડિયા, શિનોર જેવા નાના શહેરોમાં પણ હિન્દુ મંદિરો ટ્રસ્ટોની જગ્યા યેનેકેન પ્રકારે ખરીદીનું ષડયંત્ર ખુબ આગળ વધી રહ્યુ છે. રહિશોએ આક્ષેપ કર્યો હતો કે શહેરમાં સમર્પણ સોસાયટી તેમજ વાસણા રોડ પરની અલગ અલગ સોસાયટી અને વાડી, આજવારોડ, રાજમહેલ રોડ, ફતેપુરા, પાણીગેટ જેવા વિસ્તારો ગુજરાત ડિસ્ટર્બ એરીયા એક્ટ મુજબ અશાંત જાહેર થયા છે. આ એક્ટ મુજબ હિન્દુની મિલકત કોઇ મુસલમાન ખરીદવા માંગે અથવા મુસલમાનની મિલકત હિન્દુ ખરીદવા માંગે તો કલેક્ટરની પરવાનગી લેવી પડે છે. પરંતુ કોઇને ગંધ ના આવે તે રીતે દુર દુર રહેતા ઓળખીતાના નામો આપી અશાંતધારાની પરવાનગી મેળળી લેવામાં આવે છે. સમર્પણ સોસાયટીમાંજ સાત જેટલી પ્રોપર્ટી વિધર્મીઓએ ખરીદી લીધી છે અને અન્ય દસ્તાવેજો માટે અરજીઓ થઇ છે. અગાઉ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતા કોઇપણ જાતની કાર્યવાહી નહી થતા આખરે છેલ્લા બે દિવસમાં વડાપ્રધાનને ૧૦૦થી વધુ ફરિયાદો કરી છે. સમર્પણ સોસાયટીના રહિશોએ માંગણી કરી હતી કે લઘુમતી દ્વારા ખરીદાયેલ મિલકતોની પરવાનગી કેવી રીતે મેળવી છે તેની તપાસ કરી કાયદાનો ભંગ થયો હોય તો નોંધણી રદ કરવી તેમજ કોઇ કર્મચારીએ ગેરરીતિ આચરી હોય તો સસ્પેન્ડ કરવા જોઇએ.