સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીનો તીવ્ર ચમકારો
ઉત્તર-પૂર્વન હિમભર્યા પવનોનોએ ફરીથી ગુજરાતમાં સપાટો બોલાવ્યો છે અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં શિયાળાની કાતિલ ઠંડીનો અનુભવ કરાવ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનો તીવ્ર ચમકારો ફેલાયો છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી કચ્છમાં નલિયામાં ૭૪ સે.ગ્રે. ડિગ્રી અને ગાંધીનગરમાં ૮.૨ તથા અમદાવાદમાં ૯.૮ સે.ગ્રે. ડિગ્રી ઠંડી નોંધાઇ છે.
હવામાનખાતાની આગાહી જણાવે છે કે આગામી બે દિવસ દરમ્યાન ઠંડીના પ્રમાણમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. રાજ્યમાં બે દિવસથી ઠંડીએ જમાવટ કરી છે. સુસવાટાભર્યા ઠંડા પવનોએ વાતાવારણને ઠંડુગાર બનાવી દીધું છે અને કાતિલ ઠંડીથી બચવા માટે લોકોએ ફરીથી ગરમ શાલ, ધાબળા, સ્વેટર, જાકીટ અને ટોપીઓ પહેરવાની ફરજ પડી છે. મોડી રાતે અને વહેલી સવારે ફૂંકાતા ઠંડા પવનોએ શિયાળાની મોસમનો અહેસાસ કરાવ્યો છે. આજે અમદાવાદ શહેરમાં દિવસ દરમ્યાન ૨૭.૯ સે.ગ્રે. ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દિવસભર કલાકના આઠ થી દસ કિ.મિ.ની ઝડપે ઠંડો પવનો ફૂંકાયો હતો. ગઇરાતે ઠંડીનું પ્રમાણ ૯.૮ સે.ગ્રે. ડિગ્રી નોંઘાયું હતું. જે સામાન્ય રીતે હોવું જોઇએ તેના કરતાં અઢી ડિગ્રી નીચું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે સાડા આઠ વાગે ૬૮ ટકા અને સાંજે સાડા પાંચ વાગે ૨૨ ટકા નોંધાયું હતું. આજે રાતે ઠંડીનું પ્રમાણ ૧૧ ડિગ્રી જેટલું રહેવાની સંભાવના છે.
શહેર ડિગ્રી નલિયા ૭.૪ ગાંધીનગર ૮.૨ વલસાડ ૯.૧ ડીસા ૯.૭ અમદાવાદ ૯.૮ કંડલા ૧૦.૫ વડોદરા ૧૦.૬ મહુવા ૧૧.૧ વિદ્યાનગર ૧૨.૨ ભાવનગર ૧૨.૪ રાજકોટ ૧૨.૫ સુરેન્દ્રનગર ૧૨.૮ અમરેલી ૧૩.૦ ઇડર ૧૩.૨ ભુજ ૧૩.૮ પોરબંદર ૧૪.૪ સુરત ૧૪.૪