મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 25 જાન્યુઆરી 2018 (13:47 IST)

પદ્માવત વિરોધ: ઉત્તર ગુજરાતમાં એસટી સેવાઓ બંધ, મુસાફરોને હાલાકી

પદ્માવત ફિલ્મના વિરોધમાં આજે ગુજરાતમાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, રાજ્યમાં પદ્માવત ફિલ્મને થિયેટરોમાં નહીં દર્શાવવાના થિયેટર માલિકોના નિર્ણય બાદ ૨૫મીના ગુરુવારના બંધના એલાનને રાજપૂત-ક્ષત્રિય સમાજ દ્વારા પાછું ખેંચાયું હોવાનું સરકાર કહી રહી છે. પરંતુ બંધની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. ઘણા હાઈવે પર ચક્કાજામ કરી દેવામાં આવતા વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

સવારથી જ વાવોલમાં સજ્જડ બંધ હતો. આ ઉપરાંત માણાવદરમાં પણ સજ્જડ બંધ જોવા મળ્યો હતો. ભાવનગર-અમદાવાદ માર્ગ પીપળી નજીક રોકી દેવામાં આવ્યો હતો. જેના કારણે વાહનોની લાંબી લાઈન લાગી હતી. જોકે, તકેદારીના ભાગરૂપે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઉત્તર ગુજરાતમાં એસટીની બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. મુસાફરો અને બસની સલામતીને ધ્યાનમાં રાખીને એસટી વિભાગે બસો બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. તેથી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાલનપુર અને હિંમતનગરની બંને તરફની બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.  પીપાવાવ-રાજુલા સ્ટેટ હાઈવે પર ગ્રામજનો દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે ટાયરો સળગાવીને રસ્તા પર મૂકી દેતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો.  પોલીસ મહાનિર્દેશક પ્રમોદ કુમારે કહ્યું હતું કે, તોફાની તત્વો સામે ૫૪ ગુના નોંધાયા છે. ૧૧૮ આરોપીઓની ધરપકડ કરાઈ છે. પોલીસ વીડિયોગ્રાફીને ફુટેજ અને સીસીટીવીના દશ્યો મુજબ, તોફાનીઓ સુધી પહોંચી રહી છે. ૩૦૦થી વધુ લોકોને ડીટોઈન કરી લેવાયા છે.