મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 ઑગસ્ટ 2017 (13:26 IST)

ઉત્તર ગુજરાતના પુરગ્રસ્ત પાટણના 4 ગામો નીતા અંબાણીએ દત્તક લીધા

રિલાયન્સ ગૃપના ચેરમેન મુકેશ અંબાણી ધર્મપત્ની નીતા અંબાણીએ બુધવારે પાટણ જિલ્લાના પૂરગ્રસ્ત અબિયાણા ગામની સંવેદનાસભર મુલાકાત લીધી હતી. તેઓએ અબિયાણા ગડસઇ અને ઉનડી ગામના પૂરગ્રસ્તોને કિટ વિતરણ કર્યુ હતું. બાદમાં ગ્રામ સભાને સંબોધતા રિલાયન્સ ફાઉન્ડેશનના ઉપક્રમે ત્રણથી ચાર ગામો દત્તક લેવાની સાથે રૂ.10 કરોડ ધનરાશી પુન:સ્થાપન કામગીરી માટે ફાળવવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર સાથે ચર્ચા વિચારણ કર્યા બાદ ગામોની પસંદગી કરાશે તેમ તેમણે જણાવ્યુ હતું. દેશના ધનાઢ્ય અંબાણી પરીવારના પુત્રવધૂ નીતા અંબાણી તેમના પુત્ર અનંત સાથે બનાસકાંઠાના થરા ખાતે હેલીકોપ્ટર મારફતે આવી રોડમાર્ગે સાંતલપુર તાલુકાના અબિયાણા ગામે પહોંચ્યા હતા. જયાં તેઓના હસ્તે ગડસઇ ગામના મહિલાઓ ભાઇઓને મળીને હ્રદય સ્પર્શી વાર્તાલાપ કર્યો હતો. તેઓએ બસ સ્ટેન્ડ પાસે કિટ વિતરણ કેમ્પ અને ગામમાં પશુ ચિકિત્સા કેમ્પ, મેડીકલ કેમ્પની મુલાકાત લઇ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરાયેલ સુવિધાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. અંતે ગામચોક ખાતે ટૂંકી સભા સંબોધી હતી. જેમાં આપત્તિના સમયમાં રિલાયન્સ ફાઉન્ડેશન તમારી સાથે છે તેવો સધીયારો આપ્યો હતો. તેમણે જણાવ્યું કે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે ફાઉન્ડેશને સદકાર્ય કર્યું હતું. તે પછી ઉત્તરાખંડ, કેદારનાથ,ચેન્નઇ અને હવે પૂરગ્રસ્ત આ વિસ્તારમાં ટ્રસ્ટ તેનું યોગદાન આપશે. આ માટે જામનગર તેમજ અન્ય સ્થળોના 50 જેટલા માણસો અહીં કામે લગાડ્યા છે. ગામના સરપંચ ભીખીબેન આહિર, પૂર્વ સરપંચ શિવાજી ગોહિલે ગામમાં રોટી કપડા મકાનની અને જમીન ધોવાણની રજુઆતો કરી હતી.આ પ્રસંગે મામલતદાર, એઅેસપી, મદારસિંહ ગોહીલ વગરે હાજર રહયા હતા.