શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 ફેબ્રુઆરી 2018 (13:46 IST)

રાજ્યમાં ૧૧૨૯ ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન: સરેરાશ ૭૫ ટકાથી વધુ મતદાન

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી બાદ પ્રથમવાર ૧૪૨૩ ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. જેમાં ૨૪૧ ગ્રામ પંચાયતો સમરસ થતા ૧૧૨૯ ગ્રામ પંચાયતોની ચૂંટણી આજે રવિવારે એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. આ ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ-કોંગ્રેસને રાજકીય વિચારધારાને વિસ્તારવા અને આગામી ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે માર્ગ કંડારવા સ્થાનિક સ્વરાજ્યની પાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી મહત્ત્વરૂપ બની રહી છે ત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પણ પક્ષની વિચારધારાને વરેલા ઉમેદવારો ચૂંટાઈ આવે તે માટે ભાજપ-કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું હતું. આજે રવિવારે ૧૧૨૯ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ૫૯૨૮ સરપંચપદના ઉમેદવારો માટે રસાકસીભર્યો જંગ ખેલાયો હતો. ૫૯૨૮ સરપંચપદના ઉમેદવારો અને ૬૦૪૯ વોર્ડના કુલ ૨૦ હજારથી વધુ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થયા હતા. ચૂંટણીમાં સુરક્ષાની જવાબદારી સ્થાનિક પ્રશાસનને સોંપવામાં આવી હતી.

વડોદરા, નવસારી, બોટાદ, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, જામનગર, અમરેલી, સુરત અને દાહોદ સહિતના જિલ્લાઓની ૧૧૨૯ ગ્રામપંચાયતોની ચૂંટણીમાં આજે સવારથી મતદારોની લાંબી લાઇનો જોવા મળી હતી. જોકે બપોરના ૩ વાગ્યા સુધીમાં સરેરાશ ૭૧ ટકા મતદાન નોંધાયું હતું. બપોર બાદ પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ મતદાન મથકો પર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.