રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (15:30 IST)

ગુજરાતના સૌથી મોટા પાંચ ડેમમાં પાણીનો જથ્થો છેલ્લા દસ વર્ષના તળિયે!

ગુજરાતના મહત્વના ડેમનો હાલનો જથ્થો ગત દસ વર્ષના સરેરાશ જથ્થાથી પણ નીચો ગયો છે. નર્મદાના સરદાર સરોવર ડેમ સહિતના કેટલાક ડેમ હાલ શિયાળાના સમયગાળામાં જ પાણીનો જથ્થો ગુમાવી રહ્યા છે. મહત્વના ૧૦ ડેમોમાં તેની સ્ટોરેજ ક્ષમતામાંથી ૪૫ ટકા પાણી જ હાલ બચ્યુ છે. ગુજરાતના કેટલાંક મહત્વના ડેમ છેલ્લાં દસ વર્ષની સરેરાશ સપાટીથી પણ ઓછી સપાટીએ પહોંચ્યા છે.

હાલ મહત્વના ડેમમાં રહેલો પાણીનો જથ્થો ગત દસ વર્ષના સરેરાશ જથ્થાથી પણ ઓછો છે. આ ડેમમાં સરદાર સરોવર, ઉકાઇ, કડાણા, શેત્રુંજી અને ધરોઈ(સાબરમતી) ડેમનો સમાવેશ થાય છે. આમ, માત્ર નર્મદાના સરદાર સરોવર ડેમ નહીં પરંતુ અન્ય ડેમ પણ ધીમે-ધીમે તળિયે પહોંચી રહ્યા છે. પંચમહાલમાં મહી નદી પર આવેલા કડાણા ડેમમાંથી પંચમહાલ અને દાહોદને તો લાભ મળે જ છે પરંતુ તેનું કેટલુંક પાણી અમદાવાદને પણ મળે છે. આ પાણીના જથ્થામાં ધરખમ કાપ મૂકવાની હાલ વાતો ચાલી રહી છે. આવી જ રીતે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના નાના અને મધ્યમ કદના મોટાભાગના ડેમ સિંચાઇ અને વપરાશનું પાણી આપવા સક્ષમ છે. સેન્ટ્રલ વોટર કમિશનની માહિતી અનુસાર ગુજરાતના મહત્વના ૧૦ ડેમમાં હાલ તેની કુલ સ્ટોરેજ ક્ષમતાના ૪૫ ટકા પાણી જ બચ્યું છે. ગત વર્ષે આ ડેમોમાં તેની કુલ સ્ટોરેજ ક્ષમતાના ૫૪ ટકા પાણી હતું. ગત દસ વર્ષની સરેરાશ ટકાવારી ૪૯ ટકા છે. વિધાનસભા ચૂંટણી સમયે લોકો અને ખેડૂતો સમક્ષ સિંચાઇની વાતો તો કરવામાં આવી હતી પરંતુ હાલ સરકારે જરૃરી પાણી પુરવઠો આપવાની જવાબદારીમાંથી હાથ ઊંચા કર્યા છે.