શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 22 સપ્ટેમ્બર 2018 (13:52 IST)

ગુજરાતમા પગાર વધારો મેળવનાર 141 ધારાસભ્યો પાસે કરોડોની સંપત્તિ

ગુજરાતના ૧૮૨ ધારાસભ્યોના પગારમાં અધધધ ૬૫%નો વધારો કરવામાં આવતા નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતના ૧૮૨માંથી ૧૪૧ એટલે કે ૭૭% ધારાસભ્યો કરોડપતિ છે. જે કરોડપતિ ધારાસભ્યો છે તેમાંથી ભાજપના ૯૯માંથી ૮૪, કોંગ્રેસના ૭૭માંથી ૫૪, ભારતીય ટ્રાયબલ પાર્ટીના ૨ અને એનસીપીના ૧ ધારાસભ્યોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, નવા પગારધોરણ અનુસાર ગુજરાતના ધારાસભ્યોને મહિને રૃપિયા ૧.૧૬ લાખનો જ્યારે મંત્રીઓ-વિધાનસભામાં મહત્વનો હોદ્દો ધરાવનારાઓને રૃ. ૧.૩૨ લાખનો પગાર મળશે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ (એડીઆર) દ્વારા ગત વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ જારી કરવામાં આવેલી વિગતો અનુસાર ભાજપના સૌરભ પટેલ સૌથી વધુ રૃ. ૧૨૩ કરોડની સંપત્તિ ધરાવે છે. ભાજપના જ ધનજીભાઇ પટેલ, કોંગ્રેસના જવાહર ચાવડાની પણ રૃપિયા ૧૦૦ કરોડથી વધુની સંપત્તિ છે. ડિસેમ્બર ૨૦૧૭ અનુસાર સૌથી ઓછી સંપત્તિ હોય તેવા ધારાસભ્યોમાં રૃ. ૧૦.૨૫ લાખ સાથે વડગામના ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણીનો સમાવેશ થાય છે.

ગુજરાતના ૧૮૨ ધારાસભ્યો સરેરાશ રૃ. ૮.૪૬ કરોડની સંપત્તિ ધરાવે છે. પક્ષ પ્રમાણે જોવામાં આવે તો ભાજપના ૯૯ ધારાસભ્યો પાસે ૧૦.૬૪ કરોડ, ૭૭ ધારાસભ્યો પાસે રૃ. ૫.૮૫ કરોડ, ભારતીય ટ્રાયબલ પાર્ટીના બે ધારાસભ્યો પાસે રૃ. ૨.૭૧ કરોડ જ્યારે ૩ અપક્ષ ધારાસભ્યો પાસે રૃ. ૫૩.૮૬ લાખની સરેરાશ સંપત્તિ છે. ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાતના ૧૮૨ ધારાસભ્યો પાસે સરેરાશ રૃ. ૮.૦૩ કરોડની સંપત્તિ હતી. ડિસેમ્બર ૨૦૧૭ની વિગત અનુસાર ભાજપના ૯૯માંથી ૭, કોંગ્રેસના ૭૭માંથી ૧૦ ધારાસભ્યોએ ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ કર્યું નથી. આવી જ રીતે ભાજપના ૯૯માંથી ૮, કોંગ્રેસના ૭૭માંથી ૪ ધારાસભ્યોએ એ વખતે એફિડેવિટમાં આવકનો સ્ત્રોત દર્શાવવાનું ટાળ્યું હતું.

નવા પગારધોરણ અનુસાર ગુજરાતના ધારાસભ્યોને મહિને રૃપિયા ૪ હજાર ફોન બિલ પેટે ચૂકવવામાં આવશે. જેની સાથે એવી ચર્ચાએ વેગ પકડયો છે કે હવે કોઇ પણ મોબાઇલ કંપનીનો અનલિમિટેડ કોલ્સ, અનલિમિટેડ એસએમએસ તેમજ દિવસના ૩ જીબી ડેટાનો પેકેજ મહત્તમ રૃપિયા ૫૦૦માં પ્લાન મળી જતો હોય છે.  આ સ્થિતિમાં લેન્ડલાઇન ફોન કે જેનો ઉપયોગ ભાગ્યે જ હવે કોઇ દ્વારા કરવામાં આવે છે તેનું મહત્તમ રૃપિયા ૧ હજારનું બિલ ગણીએ તો પણ ધારાસભ્યોનું મહિનાનું કુલ ફોન બિલ રૃ. ૧૫૦૦થી રૃ. ૨ હજાર વચ્ચે આવે. આમ, પગારવધારા વખતે ફોન બિલમાં રૃપિયા ૪ હજાર આપવા તે પાછળનો તર્ક ગળે ઉતરતો નથી.