સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 24 મે 2021 (17:40 IST)

તાઉ-તે વાવાઝોડા બાદ ફરીવાર આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની વિદાય બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હજી વાવાઝોડાની નુકસાનીનો સરવે ચાલી રહ્યો છે. ત્યાં હવામાન વિભાગે ફરીવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. 27 થી 28 ની વચ્ચે હળવાથી ભારે વરસાદ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસશે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને દીવમાં સુક્કું વાતાવરણ રહેશે. તે ઉપરાંત નાઉકાસ્ટ તરફથી પણ અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હાલમાં દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન નીચલા સ્તર પર ફૂંકાઈ રહ્યો છે. તેના કારણે ભેજનું પ્રમાણે સવારે 73  ટકા અને સાંજે 49 ટકા જેટલું ઉંચું રહે છે. હવામાન ખાતાની આગાહી મુજબ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે.મહત્તમ તાપમાનમાં આગામી 24 કલાક સુધી કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન વધશે.વાવાઝોડાના કારણે માંડ માંડ ગરમી જામી હતી ત્યાં હળવી ઠંડક આવી ગઈ છે.

ભેજયુક્ત પવનના કારણે સ્થિતિ એવી બની છે કે લોકો પરસેવે રેબઝેબ બની જાય છે.આવી ગરમી, બફારો અને પરસેવો વળવાની ઘટના ચોમાસામાં બનતી હોય છે. કેમકે ત્યારે ગરમી ખાસ્સી ઘટી ગઈ હોય છે. હજુ તો વૈશાખ માસ ચાલી રહ્યો છે અને આકરાં તાપ પડવા જોઈએ તેના બદલે ગરમી ઘટી ગઈ છે. આગામી 27 અને 28મી મેના રોજ દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને નવસારી અને વલસાડમાં વરસાદી ઝાંપટા પડવાની વકી છે. બીજી તરફ સુરતમાં રવિવારે બપોર સુધી વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ મહતમ તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો હતો. રવિવારે સુરતનું મહતમ તાપમાન 34.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.0 ડિગ્રી નોંધાયું હતુંય જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 66 ટકા અને પવનની મહતમ ઝડપ પ્રતિ કલાક 8 કિલોમીટરની નોંધાઇ હતી. મહતમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. તાપમાન વધવા સાથે આકરી ગરમી અને બફારાએ ઉપાડો લેતાં લોકો તોબા પોકારી ઉઠયાં હતા. બપોરે ચામડી દઝાડતી ગરમી લાગતા લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 27 અને 28મી મેના રોજ નવસારી, વલસાદ સહિત દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે.