ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 17 મે 2021 (21:50 IST)

તાઉ-તે વાવાઝોડાને કારણે રાજકોટ એરપોર્ટ આજે 4 વાગ્યાથી 19 મેએ બપોરે 11.15 વાગ્યા સુધી બંધ

તાઉ-તે  વાવાઝોડને કારણે રાજકોટ એરપોર્ટ આજે 4 વાગ્યાથી 19 મેએ બપોરે 11.15 વાગ્યા સુધી બંધ રહેશે, ભારે પવન અને ભારે વરસાદની આગાહીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એરપોર્ટના ડાયરેક્ટર દિગંતા બોરહ દ્વારા સત્તાવાર રીતે બંધની જાહેરાત કરવામાં આવી છે. તેમજ વાવાઝોડાની અસરને કારણે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં મંડપ તૂટ્યા છે અને એસટી બસપોર્ટ અને દરિયાકાંઠાના બસ રૂટ બંધ કરવામાં આવ્યા છે.

અરબી સમુદ્રમાં ઉદભવેલું વાવાઝોડુ તૌકતે  ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના છે. આથી આ દરમિયાન રાજ્યમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરીને બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે. રાજકોટમાં ગત સાંજે 08:07 કલાકે ધૂળની ડમરીઓ ઊડી હતી અને એકદમથી પવન ફૂંકાવાનો શરૂ થયો હતો જે થોડીવારમાં શાંત થઈ ગયા બાદ વરસાદી ઝાપટું પડ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની ગતિ 80 કિ.મી. પ્રતિ કલાકની હતી અને પાંચ મિનિટ પૂરતો ફૂંકાયો હતો પણ માત્ર 5 મિનિટના પવનને કારણે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને જે જગ્યાએ ભોજન પીરસવાનું હોય છે. એ મંડપ તૂટીને ધરાશાય થયા છે. વાવાઝોડાની અસરને પગલે શહેરની એસટી બસ પોર્ટ અને દરિયાકાંઠાના બસ રૂટ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મોટી ચણોલ અને પડધરી તાલુકાના ગામોમાં વાવઝોડાને પગલે વીજપોલ ધરાશાયી થયા છે. તેમાંય મોટી ચણોલ ગામે તો વીજપુરવઠો ગઈકાલ રાતથી ખોરવાય ગયો છે.