શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 18 મે 2021 (06:03 IST)

કોરોના કાળ વચ્ચે જ ગુજરાતમાં વાવાઝોડાનો કહેર, સરકાર અને પ્રજાની વરવી કસોટી

ગુજરાતમાં કોરોના સંક્રમણની લહેર વચ્ચે એક તરફ ઘટતા કેસ છતા સરકારની ચિંતા યથાવત છે તેમાં ‘તાઉ-તે’ વાવાઝોડાથી રાજયના વહીવટીતંત્રને બેવડી કસોટી છે અને સમગ્ર વહીવટીતંત્રને આ બેવડી કામગીરીમાં વ્યસ્ત બની ગયું છે. આમ કોરોનાની બીજી લહેર ધીમી પડી પણ વાવાઝોડાનો કહેર આવી પડ્યો છે.વાવાઝોડામાં રાજયમાં સૌથી મોટી ચિંતા ઝીરો કેઝ્યુટી નો ટાર્ગેટ છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓ સાથેની બેઠકમાં વાવાઝોડુ પહોંચે તે પૂર્વે અસરગ્રસ્ત ક્ષેત્રમાં નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરીને તમામને સલામત સ્થળે પહોંચાડી દેવાની કામગીરી બપોર સુધીમાં સંપન્ન કરવાનો આદેશ અપાયો છે.

બીજી તરફ રાજયમાં વિજ તથા સંદેશાવ્યવહાર ખોરવાય નહી તે જોવા તેમજ સરકારની કામગીરીમાં કોવિડ હોસ્પીટલોમાં વિજ પુરવઠો જાળવી રાખવાનો છે તેવી પણ સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઉતરોતર ઘટાડો થઈ રહ્યો છે.થોડા દિવસ અગાઉ રાજ્યમાં જે મેડિકલ ઇમરજન્સી જેવી સ્થિતિ હતી તે હવે સામાન્ય બની રહી છે, હોસ્પિટલમાં બેડ થી લઈને દવાઓ, ઈન્જેક્શન અને સારવારની સમસ્યા એકદમ ઘટી ગઈ છે, ગુજરાત બીજી લહેરમાંથી બહાર આવી રહ્યું હોવાથી સરકાર થોડો હાશકારો અનુભવી રહી હતી. તે જ સમયે વવાઝોડાનો કહેર આવી પડ્યો છે. ગુજરાતના કાંઠે આજે રાત્રે 8થી 11ની વચ્ચે પોરબંદર અને મહુવા વચ્ચે ટકરાવાની શક્યતાઓ છે, જેને લઈને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત અસર થનાર દરિયાકાંઠાના 17 જિલ્લાના 655 સ્થાળાંતર કરવા પાત્ર ગામોમાંથી એક લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે. આ સાથે વેરાવળ અને જાફરાબાદ બંદર પર 10 નંબર સૌથી ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં 23 વર્ષ બાદ વાવઝોડું આવી રહ્યું છે. 1998માં કચ્છના કંડલામાં આવું જ ભયાનક વાવાઝોડું ત્રાટક્યું હતું.