ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 માર્ચ 2021 (13:20 IST)

કોરોના કાળમાં માસ્ક વગર દંડાયા અનેક લોકો, માસ્ક વિના ફરતા લોકો પાસેથી અધધધ દંડ વસૂલાયો

કોરોના કાળના 1 વર્ષમાં અનેક અમદાવાદીઓ દંડાયા, અમદાવાદના 4.84 લાખ લોકો માસ્ક પહેર્યા વગર પકડાયા હતા. તેમની પાસેથી ટ્રાફિક પોલીસે રૂપિયા 35.50 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. તેમ છતાં પણ હજુ અમદાવાદમાં અનેક લોકો માસ્ક પહેરતા નથી. જેના કારણે શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જ્યારે કોરોનાના કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉન અને ત્યારબાદ આજ દિન સુધી ચાલી રહેલા નાઈટ કર્ફ્યૂના ભંગ બદલ અનેક અમદાવાદીઓ દંડાયા છે. આ કેસમાં અમદાવાદ પોલીસે આજ સુધીમાં 45,863 ગુના નોંધી 55,076 લોકોની ધરપકડ કરી છે. લોક ડાઉન પૂરું થયા બાદ અનેક લોકો માસ્ક પહેરતા ન હતા. જેથી દરેક પોલીસ સ્ટેશનના પીઆઈને માસ્ક વગર ફરતા 80 લોકોને પકડીને દંડ વસૂલ કરવા કડક સૂચના અપાઇ હતી. જે અનુસાર શહેર પોલીસ દ્વારા રોજના 3500થી 4000 માણસોને માસ્ક વગર પકડી લેવામાં આવ્યા હતા. અને, તેમની પાસેથી આશરે કુલ રૂ.40 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. પરંતુ ચૂંટણી અને ક્રિકેટ મેચ શરૂ થતા પોલીસે માસ્ક વગર ફરતા લોકોને પકડવાનું ઓછું કરી દીધું હતું. પરંતુ છેલ્લા અઠવાડિયાથી અમદાવાદમાં કોરોનાના કેસો વધવા લાગ્યા છે. જેથી પોલીસે ફરી એક વખત માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસૂલ કરવાનું શરુ કર્યુ છે. જે અનુસાર છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ રોજના 600 થી 700 માણસોને માસ્ક વગર પકડીને દંડ વસૂલ કરી રહી છે. જોકે રવિવારે અને સોમવારે એમ બે દિવસ શહેર પોલીસ દ્વારા એક સેવાકાર્ય પણ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા દરેક વિસ્તારોમાં શ્રમજીવીઓને અને ભીક્ષુકોને ફ્રીમાં માસ્કનું વિતરણ કરાયું હતું.