ચૂંટણી પૂર્ણ થઈ જો હવે માસ્ક નહીં પહેરો તો પોલીસ દંડ વસૂલશે, અમદાવાદમાં એક જ દિવસમાં 63 લોકોને દંડ ફટકાર્યો

mask fine
Last Modified બુધવાર, 24 ફેબ્રુઆરી 2021 (09:55 IST)
રવિવારે પાલિકા અને પંચાયતોની ચૂંટણીના બંદોબસ્તમાં શહેર પોલીસ ફાળવાશે ત્યાં સુધી લોકોને થોડી રાહત મળશે
રાજકીય પક્ષોની રેલીમાં સરેઆમ નિયમોનો ભંગ પરંતુ પોલીસે એક પણ કેસ ના કર્યો
રાજ્યમાં છ મહાનગર પાલિકાની ચૂંટણી પુરી થઈ ગઈ છે. આ ચૂંટણીમાં રાજકીય રેલી અને સભાઓમાં કોરોના તો જાણે ભુલાઈ જ ગયો હતો. લોકો બેફામ બનીને ટોળે વળતાં હતાં. આ દરમિયાન પોલીસ પણ માસ્ક વિનાના અને ડિસ્ટન્સ નહીં જાળવનાર લોકોને દંડવાનું બંધ કરી દીધું હતું. છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસે ચૂંટણી પુરી થતાંની સાથે જ માસ્ક નહીં પહેરનાર લોકોની સામે દંડનું હથિયાર ઉગામવાનું શરુ કરી દીધું છે.
ચૂંટણી બાદ પોલીસ ફરીથી દંડ વસૂલવા તૈયાર
કોરોના અટકાવવા લાગુ નિયમોનું પાલન કરાવવા વસૂલાતા 1000 રૂપિયાના ધરખમ દંડનો મુદ્દો ચૂંટણી દરમિયાન ચર્ચામાં આવ્યો હતો. પણ, હવે ચૂંટણી પૂરી થઈ છે ત્યારે
પોલીસ ફરી વખત માસ્ક ન પહેર્યો હોય તો દંડ વસૂલવા માટે તૈયાર થઈ રહી છે. મતદાન અને મતગણતરીના દિવસે કેસ કે દંડ ન કરનાર પોલીસ આગામી સોમવારથી પૂર્ણરૂપે વસુલાત કરશે. એક સમયે દિવસના 20થી લાખથી વધુ દંડ વસુલતી પોલીસ મહાનગરપાલિકાની ચૂંટણીની કામગીરી હોવાથી આ કાર્યવાહીની ગતિ ધીમી પડી હતી. મતદાન અને મત ગણતરીના દિવસે પોલીસે માસ્ક નહીં પહેરવા કે જાહેરમાં થૂંકવાના મુદ્દે એક પણ કેસ કર્યો નહોતો કે દંડ વસૂલ્યો નહોતો. મતદાન અને મતગણતરી વચ્ચે એક દિવસ રજા જેવો માહોલ હતો ત્યારે પણ પોલીસે 63 વ્યક્તિઓ પાસેથી એક-એક હજાર દંડ વસૂલ્યો હતો.
મતદાન અગાઉના ત્રણ દિવસ પ્રતિદિન 300 લોકો દંડાતા હતાં
મતદાન અગાઉના ત્રણ દિવસ દરમિયાન પોલીસે પ્રતિદિન સરેરાશ 300 લોકો સામે માસ્ક નહીં પહેરવા માટે દંડ વસૂલાતની કાર્યવાહી કરી હતી. હવે, ચૂંટણી પૂરી થઈ છે ત્યારે પોલીસ ફરી વખત દંડ વસૂલવા માટે સક્રિય થશે. જો કે, આગામી રવિવારે શહેર પોલીસના અનેક કર્મચારી પંચાયતોની ચૂંટણીના બંદોબસ્તમાં જશે. આ કારણે હજુ આગામી સોમવાર સુધી દંડ વસૂલાતની ગતિ થોડી ધીમી રહેશે. પોલીસ અિધકારી સૂત્રોએ જણાવ્યું કે, કોરોના વકરે તેવી ભીતિ જણાઈ રહી છે અને માસ્ક પહેરવાના મામલે લોકોની બેદરકારી વધી રહી છે. આ સંજોગોમાં આગામી દિવસમાં માસ્ક અને જાહેરમાં થૂંકવા તેમજ સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરાવવા મામલે પોલીસ કડક કાર્યવાહી શરૂ કરી શકે છે.
ચૂંટણીમાં ઠેર ઠેર નિયમ ભંગ પણ પોલીસ જોતી રહી
ચૂંટણી પૂર્ણ થયાના બીજા જ દિવસે 63 લોકોને માસ્ક વગર ફરતા ઝડપી પાડયા હતા. તેમની પાસેથી પોલીસે કુલ 63 હજાર રૂપિયાનો દંડ વસુલ્યો હતો. ચૂંટણીના કારણે ઠેર ઠેર લોકોના ટોળા ભેગા થતા હતા તેમજ મોટી મોટી રેલીઓ નિકળી હતી. જેમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક તેમજ જાહેરનામાં ભંગની ઐસી તૈસી કરી હતી. પરંતુ પોલીસે મૂંગા મોઢેં જોઇ રહી હતી અને જાહેરનામા ભંગની એકપણ ફરિયાદ નોંધી ન હતી. શહેર પોલીસને હવે બેરોજગારો, વેપારીઓ અને નોકરીયાતોને ફરીથી એક વાર સરકારને વ્હાલા થવા માટે દંડની પ્રકિયા ચાલુ કરી દીધી છે.


આ પણ વાંચો :